NATOના 120 ફાઈટર વિમાનો યુરોપના દેશોથી ઉડીને યુક્રેનને આકાશી કવચ પૂરૂ પાડશે

રશિયા સામે યુરોપના દેશોનું “ઓપરેશન સ્કાય શીલ્ડ” ?
રશિયાના હુમલાની આશંકાથી નાટો દેશોની એરફોર્સ એલર્ટ-એક સાથે ૧ર૦ ફાઈટર વિમાનો યુરોપના દેશોના એરપોર્ટથી ઉડીને યુક્રેનને આકાશી કવચ પૂરૂ પાડે તેવી વ્યુહરચના: ઈ.યુ.ની યુધ્ધમાં એન્ટ્રી થશે તો રશિયાની મિસાઈલો યુરોપના દેશોને ઘમરોળશે
નવી દિલ્હી,યુક્રેન-રશિયા વચ્ચે લગભગ ત્રણ વર્ષ કરતા વધારે સમયથી ચાલી રહેલા યુધ્ધમાં એક નવો વળાંક આવે તેવી શકયતાઓ હાલ પૂરતી ઉભી થઈ છે. યુક્રેનને અમેરિકાની સહાય બંધ થતા હવે યુરોપના દેશો મેદાનમાં આવ્યા છે. બ્રિટન, ફ્રાંસ સહિતના દેશોના વડાઓએ ખુલ્લેઆમ યુક્રેનની તરફેણ કરી છે. યુક્રેન લાંબા સમયથી યુધ્ધમાં ભારે નુકસાની વેઠી રહયું છે અને રશિયાએ ઘણા બધા વિસ્તારો પર પોતાનો કબજો જમાવ્યો હોવાનો દાવો કરાઈ રહયો છે
ત્યારે હવે યુરોપના દેશો રશિયા સામે ઝંપલાવશે તો યુધ્ધ વધુ ભિષણ બનશે. રશિયાની મિસાઈલો યુરોપના દેશોમાં ભારે તબાહી મચાવશે તેવી ભીતિ સરંક્ષણ નિષ્ણાંતો વ્યકત કરી રહયા છે. કારણ કે રશિયા પાસે અત્યંત આધુનિક હથિયારો છે.
જોકે બ્રિટન, ફ્રાંસ, જર્મની જેવા દેશો પણ આધુનિક શસ્ત્રો ધરાવે છે આ બધામાં અમેરિકાની ભૂમિકા કેવી રહેશે તે જોવાનું છે. જો અમેરિકા નાટોથી દૂર થશે અને યુરોપના દેશો યુક્રેનનો નાટોમાં સમાવેશ કરશે તો પુતિન ક્રોધમાં આવી જશે અને યુક્રેન યુધ્ધ ફાઈટ ટુ ફિનિશની દિશા તરફ આગળ ધપે તેવી સંભાવના વધી જાય તેમ છે.
યુરોપિયન યુનિયનના દેશો યુક્રેનની મદદે આવીને રશિયા સામે મોરચો ખોલે તેમ મનાય છે. ઈ.યુ. (યુરોપિયન યુનિયન) એ યુક્રેનની મદદ માટે રશિયા સામે “ઓપરેશન સ્કાય શીલ્ડ”ની દિશા તરફ આગળ વધવા પર ભાર મૂકયો છે. આ યોજના હેઠળ યુક્રેનની મદદ માટે ઈ.યુ.ના લગભગ ૧ર૦ ફાઈટર વિમાનો યુરોપના એરપોર્ટ પરથી ઉડીને એકસાથે યુક્રેનના આકાશમાં ગરત લગાવશે.
ખાસ કરીને યુક્રેનની વાયુસેનાની સાથે રહીને પૂર્વી મોરચા પર કામ કરશે. આ ૧ર૦ ફાઈટર વિમાનો મિસાઈલોથી લેશ હશે અને આ તમામ ફાઈટર વિમાનો ઉડીને યુક્રેનને રક્ષણ આપશે તો રશિયા સાથેનું યુધ્ધ માત્ર ઘેરૂ નહી બને પરંતુ તે છેક યુરોપ- નાટોના દેશ સુધી ફેલાશે. દરમિયાનમાં રશિયાના હુમલાના ડરથી નાટો દેશો એલર્ટ થઈ ગયા છે
તેમણે પોતાની વાયુસેનાના ફાઈટર જેટ વિમાનોને એલર્ટ મોડમાં મૂકી દીધા છે યુક્રેન યુધ્ધમાં યુરોપના દેશોની એન્ટ્રી થશે તે સાથે જ રશિયા તેના અત્યંત ઘાતક શસ્ત્રોનો ઉપયોગ કરી શકે છે અણુબોંબની ચેતવણી પુતિન અનેક વખત આપી ચુકયા છે. જોકે યુરોપના દેશોમાં ફ્રાંસની પાસે અણુબોંબ છે તેથી યુધ્ધનો વિસ્તાર- વ્યાપ વધશે તો યુરોપના દેશો- નાટો દેશો રશિયાના ટાર્ગેટ પર પહેલા આવશે.
અમુક દેશો રશિયાના ટાર્ગેટ પર હોવાની આશંકાથી પહેલેથી જ તેમણે લશ્કરી કવાયત શરૂ કરી દીધી છે. હવે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ વિશ્વમાં શાંતિ ઈચ્છી રહયા છે ત્યારે યુક્રેન યુધ્ધમાં જો યુરોપિયન યુનિયનની એન્ટ્રી થશે તો કેવુ વલણ અપનાવે છે તેના પર પણ સૌનું ધ્યાન કેન્દ્રિત રહેશે. અલબત્ત પુતિન બમણા વેગથી હુમલા શરૂ કરે તો નવાઈ રહેશે નહિ. હાલમાં રશિયા દ્વારા યુક્રેન પર હુમલાઓ તેજ શરૂ થઈ ગયા છે.