પલટી ખાઈ ગયેલી કારમાંથી 11 લાખના અફીણના ડોડા મળ્યા
વડોદરા, દાહોદ- ગોધરા હાઈવે નંબર ૪૭ પર આવેલ લીમખેડા વટેડા ગામની સીમમાં પુરપાટ દોડી આવતી સિલ્વર કલરની નંબર વગરની ગાડી રોડની સાઈડમાં આવેલ લોખંડની રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈને પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો.
આ અંગેની જાણ થતા જ ઘટના સ્થળે દોડી આવેલ લીમખેડા પોલીસને ગાડીમાં પ્રતીબંધિત અફીણના ડોડાનો જથ્થો મળી આવ્યો હતો. ગાડીમાંથી રૂ.૧૧.૦૩ લાખ ઉપરાંતની કિંમતના અફીણના ડોડાની સાથે સાથે રૂપિયા પાંચ લાખની કિંમતની એક્સયુવી ગાડી એસઓજી પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર ગુરુવારે રાતના સાડા આઠ વાગ્યાના સુમોર દાહોદ-ગોધરા નેશનલ હાઈવે નંબર ૪૭ પર આવેલ લીમખેડાના વટેડા ગામની સીમમાં પુરપાટ દોડી આવતી નંબર વગરની સિલ્વર કલરની એક્સયુવી ગાડી ચાલકની ગફલતરને કારણે રોડની સાઈડમાં આવેલ લોંખંડની રેલીંગ સાથે ધડાકાભેર અથડાઈને પલટી ખાઈ ગઈ હતી. સમય સૂચકતા વાપરી ગાડીનો ચાલક ચાલુ ગાડીએ ગાડીમાંથી કુદી અંધારાનો લાભ લઈ નાસી ગયો હોવાનું મનાઈ રહ્યું છે.
આ ઘટનાની જાણ થતાં જ લીમખેડા પીઆઈ એસ.વી. વસાવા પોતાના સ્ટાફના માણસો સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પલટી ખાઈ ગયેલી નંબર વગરની સિલ્વર કલરની ગાડીની તલાસી લઈ ગાડીમાંથી અલગ અલગ નંબર વાળી ચાર જેટલી નંબર પ્લેટો તથા રૂ.૧૧,૦૩,પ૮૦ની કુલ કિંમતના ૩૬૭,૮૬૦ કિલોગ્રામ કુલ વજનના પ્રતિબંધિત અફીણના ડોડવા (પોશ ડોડા) નો જથ્થો મળી આવતા લીમખેડા પોલીસે આ અફીણના ડોડાના જથ્થા સાથે કારનો કબજો લઈ લીધો હતો.
આ અંગેની જાણ દાહોદ એસઓજી પોલીસને કરી ઘટના સ્થળે બોલાવી આ પ્રતિબંધિત મુદ્દામાલ સાથે ગાડી સુપરત કરતા દાહોદ એસઓજી પોલીસે લીમખેડા પોલીસ સ્ટેશને આ અંગેની ફરિયાદ નોંધાવતા લીમખેડા પોલીસે આ સંદર્ભે સિલ્વર કલરની નંબર વગરની એક્સયુવી ગાડીના ચાલક વિરૂદ્ધ નાર્કોટિકસ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.