ઉપરાષ્ટ્રપતિ ધનખડને હટાવવા નોટિસની વિપક્ષોની તૈયારી
નવી દિલ્હી, ચેરમેન અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને વિરોધ પક્ષો વચ્ચે ગૃહમાં ઘર્ષણ વધ્યું છે ત્યારે ઇન્ડિયા ગઠબંધન ઉપરાષ્ટ્રપતિને હટાવવા ટૂંક સમયમાં નોટિસ સુપરત કરવાનો ઠરાવ લાવવાની તૈયારીમાં છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ગઠબંધન પાસે ઓગસ્ટ મહિનામાં જ નોટિસ માટે જરૂરી હસ્તાક્ષર હતા, પણ તેમણે તેમને વધુ એક તક આપવાનું વિચાર્યું હતું. જોકે, સોમવારની તેમની વર્તણૂક પછી હવે ગઠબંધન તેમને હટાવવાની નોટિસ આપવા મક્કમ છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ધનખડના મુદ્દે કોંગ્રેસે આગેવાની લીધી છે. ટીએમસી, સમાજવાદી પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધનના અન્ય પક્ષોનો પગલાને ટેકો છે.
વિરોધ પક્ષના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે, “ચેરમેનની વર્તણૂક અસ્વીકાર્ય છે. તે ભાજપના પ્રવક્તા કરતાં પણ પક્ષને વધુ વફાદાર હોય એવી રીતે બોલી રહ્યા છે.”
સોમવારે ‘ઝીરો અવર’ વખતે રાજ્યસભામાં કાર્યવાહી પહેલી વખત મોકૂફ રાખવાની ફરજ પડી ત્યારે ગૃહના નેતા જે પી નડ્ડાએ જણાવ્યું હતું કે, “ભાજપના સભ્યો કોંગ્રેસ નેતાઓને લગતા મુદ્દા અંગે ચર્ચા કરવા માંગતા હતા. ફોરમ ઓફ ડેમોક્રેટિક લીડર્સ ઇન ધ એશિયા પેસિફિક (એફડીએલ-એપી) અને જ્યોર્જ સોરોસ વચ્ચેનો સંબંધ ચિંતાજનક છે.”
નડ્ડાએ આક્ષેપ કર્યાે હતો કે, “એફડીએલ-એપી સંસ્થા જમ્મુ-કાશ્મીરને ‘સ્વતંત્ર એન્ટિટી’ તરીકે જુએ છે અને તેને રાજીવ ગાંધી ફાઉન્ડેશનનો નાણાકીય ટેકો છે.”રાજ્યસભાના ચેરમેન તરીકે ધનખડે શાસક પક્ષના સભ્યોના વિરોધ પ્રદર્શનનું કારણ પૂછ્યું હતું.
ભાજપના ઘણા સાસંદોએ કોંગ્રેસના ટોચના નેતૃત્વને જ્યોર્જ સોરોસ સાથે સંબંધ હોવાનો આરોપ મૂક્યો હતો. તેમણે માંગ કરી હતી કે, મુદ્દો રાષ્ટ્રીય સુરક્ષાનો હોવાથી ગૃહમાં તેની ચર્ચા થવી જોઇએ. કોંગ્રેસના સભ્યોએ દાવો કર્યાે હતો કે, અદાણીના મુદ્દાથી ધ્યાન હટાવવા માટે આવું કરાઇ રહ્યું છે.
રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે તેમજ અન્ય કોંગ્રેસ નેતાઓ જયરામ રમેશ અને પ્રમોદ તિવારીએ પ્રશ્ન કર્યાે હતો કે, ચેરમેને શાસક પક્ષના સભ્યોની આ અંગેની નોટિસ ફગાવ્યા પછી તેમને મુદ્દો ઉઠાવવાની મંજૂરી કેમ આપી?ભાજપના લક્ષ્મીકાંત બાજપેયીને સોરોસના મુદ્દે બોલવાની છૂટ અપાઈ હતી અને તેમણે રાષ્ટ્રીય સુરક્ષા બાબતે બોલવાનું શરૂ કર્યું હતું.
જેની સામે જયરામ રમેશે વાંધો લીધો હતો. તેમણે કહ્યું હતું કે, ચેરમેને નિયમ ૨૬૭ હેઠળની નોટિસો ફગાવી દીધી હોવાથી તેમને મુદ્દો ઉઠાવવાની મંજૂરી આપવી જોઇએ નહીં.SS1MS