પૂર્વ વિસ્તારમાં રોડના કામ ઝડપથી પૂર્ણ કરવા આદેશ
અમદાવાદ, અમદાવાદ શહેરમાં ચોમાસા દરમિયાન તૂટી ગયેલા રોડ રસ્તા ના રિસરફેસ ૩૦ ઓક્ટોબર સુધી પૂરા થઈ જવાની જાહેરાત મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ ચેરમેન તરફથી કરવામાં આવી હતી. પરંતુ હજી પણ શહેરીજનો ડિસ્કો રોડ પર વાહન ચલાવવા મજબુર છે. ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં પરિસ્થિતિ અત્યંત દયનીય છે. ભાજપના જ કોર્પોરેટરો ની ફરિયાદ બાદ પૂર્વ વિસ્તારમાં રોડ ના કામ ઝડપથી પૂર્ણ કરવા રોડ શ્ બિલ્ડીંગ કમિટી ઘ્વારા સૂચના આપવામાં આવી છે.
મ્યુનિસિપલ રોડ શ્ બિલ્ડીંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈ અને ડેપ્યુટી ચેરમેન શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે અમદાવાદમાં રોડ રીસરફેસ અને બનાવવાની કામગીરી પૂરજાેશમાં ચાલી રહી છે. શહેરમાં ૧૯ જેટલા પેવર મશીન કામગીરી કરી રહ્યા છે અને રોજની ૬,૦૦૦ મેટ્રિક ટન ડામરનો ઉપયોગ કરી કામગીરી કરવામાં આવી રહી છે. રોડની કામગીરી મોટાભાગે પૂર્ણ થઈ ચૂકી છે કેટલાક જગ્યાએ હજી કામ બાકી છે તે દિવાળી સુધીમાં પૂર્ણ થઈ જશે.
શહેરમાં ક્યાંય પણ ખાડા કે રોડ ખરાબ હોય તેવી અમારા સુધી રજૂઆત આવી નથી રોડની કામગીરી રાત્રિ દરમિયાન કરવામાં આવી રહી છે અને જ્યાં ઓછો ટ્રાફિક અને અડચણરૂપ ન બને ત્યાં અમે દિવસે પણ કામ કરીએ છીએ. શહેરના પૂર્વ વિસ્તાર વિસ્તારમાં દક્ષિણ ઝોન, ઉત્તર ઝોન અને પશ્ચિમ ઝોનમાં રોડ બનાવવાથી લઈ અને પેવર બ્લોકના તેમજ રીપેરીંગના કરોડો રૂપિયાના કામને મંજૂરી આપવામાં આવી છે.
દક્ષિણ ઝોનના લાંભા, વટવા, ઇસનપુર, મણીનગર અને બહેરામપુરા સહિતના તમામ વોર્ડમાં કોલ્ડ મિક્સ ઇન્જેક્શન પદ્ધતિથી ખાડાઓ રીપેરીંગ માટે રૂ. ૩.૫૦ કરોડના કોન્ટ્રાક્ટ આપવાના કામને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે પૂર્વ વિસ્તારમાં નરોડા, વસ્ત્રાલ, ઓઢવ સહિતના વિસ્તારોમાં આરસીસી રોડ બનાવવા તેમજ પેવર બ્લોકના રૂ. બે કરોડથી વધુના કામ મંજૂર કરવામાં આવ્યા છે.