કેસ દાખલ કરતી વખતે જાતિ-ધર્મના ઉલ્લેખની પ્રથા બંધ કરવા આદેશ
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે તમામ કોર્ટોને આદેશ આપ્યો છે કે, તેઓ કેસ દાખલ કરતી વખતે વાદીની જાતિ અને ધર્મનો ઉલ્લેખ કરવાની પ્રથા બંધ કરે. ન્યાયાધીશ હિમા કોહલી અને ન્યાયાધીશ અમાનુલ્લાહની બેંચે તમામ હાઈકોર્ટને ખાતરી કરવા કહ્યું છે કે, તેમના અધિકાર ક્ષેત્ર હેઠળની ગૌણ અદાલતોમાં કોઈપણ અરજીમાં વાદીની જાતિ અથવા ધર્મનો ઉલ્લેખ ન થાય.
બેંચે કહ્યું કે, કોર્ટમાં કોઈપણ વાદીની જાતિ અથવા ધર્મનો ઉલ્લેખ કરવાનું અમને કોઈ કારણ જાેવા મળ્યું નથી. આવી પ્રથાને ખતમ કરી દેવી જાેઈએ. આ કોર્ટોમાં દાખલ કરાયેલી અરજી અને કાર્યવાહીમાં પક્ષકારોની જાતિ-ધર્મનો ઉલ્લેખ કરાશે નહીં, પછી ભલે નીચેની અદાલતો સમક્ષ આવું કોઈ નિવેદન રજૂ કરાયું હોય. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે, અમારા આદેશનું તુરંત પાલન કરવા બારના સભ્યો ઉપરાંત રજિસ્ટ્રીનું ધ્યાન દોરવામાં આવે. આદેશની નકલ સંબંધિત રજિસ્ટ્રાર સમક્ષ અવલોકન માટે મુકાશે અને કડક પાલન માટે તમામ હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને પણ મોકલાશે.
રાજસ્થાનના શ્રીગંગાનગરની ફેમિલી કોર્ટમાં પેન્ડિંગ વૈવાહિક વિવાદ કેસમાં ટ્રાન્સફર પિટિશનને મંજૂરી આપતાં સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો છે. બંને પક્ષકારોની અરજીમાં પતિ-પત્નીની જાતીનો ઉલ્લેખ કરાતા સુપ્રીમ કોર્ટે આશ્ચર્યવ્યક્ત કર્યું હતું. અરજદારના વકીલે કહ્યું કે, નીચલી અદાલતો સમક્ષ દાખલ પિટિશનમાં ફેરફાર કરવામાં આવે, તો રજિસ્ટ્રી વાંધો ઉઠાવે છે. આ કેસમાં બંને પક્ષકારોની જાતિનો ઉલ્લેખ કોર્ટ સમક્ષ કરાયો હતો, તેથી તેમની પાસે ટ્રાન્સફર પિટિશનમાં જાતિનો ઉલ્લેખ કરવા સિવાય અન્ય વિકલ્પ ન હતો.
દરમિયાનમાં જમ્મુ-કાશ્મીરમાં ઈન્ટરનેટ પ્રતિબંધ મામલે મંગળવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સમય દરમિયાન સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીર પ્રશાસનને ઈન્ટરનેટ પ્રતિબંધ સંબંધિત સમીક્ષા આદેશ જાહેર કરવાનો નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પ્રશાસનને કહ્યું કે આ પ્રકારના આદેશોને કબાટમાં ન રાખવા જાેઈએ. સાથે જ સુપ્રીમ કોર્ટે કેન્દ્રના વકીલને આ મામલે સૂચનાઓ લેવા માટે બે અઠવાડિયાનો સમય આપ્યો હોવાનું એક અહેવાલ દ્વારા જાણવા મળ્યું છે.
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર પાસેથી જાણવા માંગ્યું હતું કે અનુરાધા ભસીન કેસમાં સુપ્રીમ કોર્ટના ર્નિણય હેઠળ ઈન્ટરનેટ પ્રતિબંધ સંબંધિત સમીક્ષા આદેશો સાર્વજનિક કરવામાં આવ્યા હતા કે નહીં. ત્યારબાદ કોર્ટે એવી ટકોર કરી હતી કે આ આદેશોને કબાટમાં રાખવા જાેઈએ નહીં.બેન્ચે કેન્દ્રશાસિત પ્રદેશ માટે હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ કેએમ નટરાજની દલીલને ફગાવી દીધી હતી કે, કોર્ટ સમક્ષની તત્કાળ અરજીમાં બંધારણની કલમ ૩૭૦ નાબૂદ કરતી વખતે લાદવામાં આવેલા આવા પ્રતિબંધોને લગતી ચર્ચાઓ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે.
નટરાજે કહ્યું કે અરજદારની અરજી કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં ઈન્ટરનેટ પ્રતિબંધો સંબંધિત સમીક્ષા આદેશોના સંબંધમાં થયેલી ચર્ચાઓ વિશે માહિતી પ્રકાશિત કરવાની છે. આના પર ખંડપીઠે નટરાજને ચર્ચા વિશે ભૂલી જવા કહ્યું. તમે ઓર્ડર પ્રકાશિત કરો. શું તમે નિવેદન આપી રહ્યા છો કે સમીક્ષા ઓર્ડર પ્રકાશિત કરવામાં આવશે? ત્યારે નટરાજે કહ્યું કે તેમણે આ મામલે નિર્દેશ મેળવવા પડશે.
દલીલો સાંભળ્યા બાદ ખંડપીઠે પોતાના આદેશમાં કહ્યું હતું કે ચર્ચા-વિચારણા પ્રકાશિત કરવાની જરૂર નથી. જાે કે, સમીક્ષા પસાર કરતા ઓર્ડર પ્રકાશિત કરવા જરૂરી રહેશે. કોર્ટે નટરાજને નિર્દેશો લેવા માટે માટે બે અઠવાડિયાનો સમય આપ્યો હોવાનું અહેવાલ દ્વારા જાણવા મળ્યું છે. SS2SS