Western Times News

Gujarati News

પીડિતોને હાઈકોર્ટની ગણતરી અનુસાર વળતર ચૂકવવા તૈયાર થઈ ઓરેવા કંપની

અમદાવાદ, ઓરેવા ગ્રુપની કંપની અજંતા મેન્યુફેક્ચરિંગ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા ગુજરાત હાઈકોર્ટને જાણકારી આપવામાં આવી કે તેઓ મોરબી બ્રિજ દુર્ઘટનાના પીડિતોને વળતર આપશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા પ્રસ્તાવિત વળતરની રકમ કંપની દ્વારા સ્વીકારવામાં આવી છે.

નોંધનીય છે કે ૨૫મી જાન્યુઆરીના રોજ થયેલી સુનાવણી દરમિયાન કંપનીએ સ્વીકાર્યુ હતું કે તેમના પક્ષે કોઈ ચૂક થઈ છે. આ સિવાય કંપનીએ મૃતકના પરિવારજનો તેમજ ઈજાગ્રસ્તોને વળતર આપવાની પણ તૈયારી દર્શાવી હતી. આટલુ જ નહીં, આ ઘટનાને કારણે અનાથ થયેલા સાત બાળકોની જવાબદારી ઉઠાવવાની પણ તૈયારી બતાવી હતી.

સોમવારના રોજ જાહેર કરવામાં આવેલા પોતાના આદેશમાં ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું કે, વાહન અકસ્માતના કેસમાં જે રીતે વળતરની ગણતરી કરવામાં આવે છે અથવા તો સરલા વર્મા કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા જે ફોર્મ્યુલા તૈયાર કર્યો હતો તે અનુસાર ગણતરી કરીને રકમ કંપની દ્વારા રાજ્ય સરકારને જમા કરવામાં આવે.

ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર તેમજ જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીની પીઠ દ્વારા કંપનીને આદેશ આપવામાં આવ્યો છે કે તે વળતરની રકમ રાજ્ય સરકારને જમા કરાવે જે પીડિતોમાં વહેંચણી કરશે.

કંપનીના એડવોકેટ નિરુપમ નાણાવટીએ આ પ્રસ્તાવ સ્વીકારી લીધો હતો અને જણાવ્યું કે કંપની દ્વારા અહીં સ્વીકારવામાં આવે છે કે વળતરની ચૂકવણી થઈ જશે ત્યારપછી પણ કંપની પોતાની જવાબદારીમાંથી છૂટવાનો પ્રયત્ન નહીં કરે. મોરબી દુર્ઘટનાના પીડિતો દ્વારા વળતરની માંગ માટે મોરબી જિલ્હા ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ ૧૧ દાવા કરવામાં આવ્યા છે.

પીઠે જણાવ્યું કે આ સમયે તે દાવા પર કોઈ ર્નિણય લઈ શકાય નહીં. તેમણે વકીલને સલાહ આપી કે જ્યારે ગ્રાહક સુરક્ષા દ્વારા વળતરનો આદેશ આપવામાં આવે ત્યારે તમે આ મુદ્દાને રજૂ કરી શકો છો.

ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઈકોર્ટે કંપનીને આદેશ આપ્યો છે કે, વળતર બાબતે ૨૦મી ફેબ્રુઆરી સુધી એક સોગંદનામુ દાખલ કરવામાં આવે.

આગામી સુનાવણી પણ તે જ દિવસે થશે. ઉલ્લેખનીય છે કે ૧૩૫ મૃતકોમાંથી ૧૧ પરિવારોએ ગ્રાહક સુરક્ષાનો સંપર્ક કર્યો છે. તેમણે નેશનલ લેબલ એન્ડ કન્ઝ્‌યુમર કમિશનના માધ્યમથી આ દાવો કર્યો છે. ૬ ફેબ્રુઆરીના રોજ કમિશન આ દાવા પર કાર્યવાહી કરવા જઈ રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.