પ્લાસ્ટિક જેવી હાનિકારક વસ્તુઓનો ઉપયોગ ઘટાડી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા ગ્રામજનોને સમજ અપાઈ
નાના પાયે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવા શાકભાજીના બિયારણનું વિતરણ કરાયું
આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે પર્યાવરણની ગુણવત્તા જાળવવી ખૂબ જરૂરી છે. જેમાં જમીનને પ્રદુષિત થતી બચાવવા અને ગુણવત્તાયુક્ત ખેતઉત્પાદ મેળવવા માટે પ્રાકૃતિક ખેતીનો વિકલ્પ મળે તેમ નથી.
ત્યારે પ્રાકૃતિક ખેતીનો વિસ્તાર વધારવા માટે રાજ્યસરકાર દ્વારા અસરકારક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત અમદાવાદ જિલ્લા ખેતીવાડી વિભાગ, એગ્રિકલ્ચર ટેક્નોલોજી મેનેજમેન્ટ એજન્સી (આત્મા) તથા વિવિધ ટ્રસ્ટ અને ફાઉન્ડેશન્સ દ્વારા રસાયણમુક્ત પ્રાકૃતિક ખેતી પ્રત્યે ખેડૂતોમાં જાગૃતતા વધે તે માટે વિવિધ આયોજનો થઈ રહ્યા છે.
અમદાવાદના સાણંદ તાલુકાના હરિપુરા ગામે બૉસ ઈન્ડિયા ફાઉન્ડેશન અને ધરતી ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી પ્રાકૃતિક ખેતીની તાલીમનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં શ્રી કાશીરામભાઈ વાઘેલાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની ઊંડાણપૂર્વક માહિતી આપી હતી. આ ઉપરાંત પ્રારંભિક ધોરણે ખેડૂતો કિચન ગાર્ડનમાં ગુણવત્તાયુક્ત અને રસાયણમુક્ત શાકભાજી કેવી રીતે ઉગાડી શકે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેઓને ખેતર, વાડો કે ઘર આંગણે વાવી શકાય તેવા શાકભાજીના વાવેતર અને ઉછેરની સમજ આપી, બિયારણનું વિતરણ કરાયું હતું.
હરિપુરા ગામે આ પ્રકારની તાલીમ અને માર્ગદર્શક કાર્યક્રમનું આયોજન થવાથી ગ્રામજનોએ પણ રાસાયણિક ખેતી છોડી ધીરે-ધીરે પ્રાકૃતિક ખેતીનો ગામમાં વ્યાપ વધારવા માટે ઉત્સાહ દર્શાવ્યો હતો. આ તાલીમમાં ગામની મહિલાઓ પણ સહભાગી થઈ હતી.