100 જેટલા ખેડૂત ભાઈ બહેનોને પ્રાકૃતિક કૃષિ વિશે માહિતગાર કરાયા
આત્મા પ્રોજેકટ, ખેતીવાડી તથા બાગાયત વિભાગ અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે તાલીમ યોજાઇ
અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના કાસિન્દ્રા ગામે પ્રાકૃતિક ખેતી વિષયક એક તાલીમનું આયોજન કરાયું હતું. આ તાલીમમાં ધોલેરા તાલુકાના આશરે 100 જેટલા ખેડૂત ભાઈ બહેનો હાજર રહ્યા હતા. આ તાલીમનું આયોજન આત્મા પ્રોજેકટ, ખેતીવાડી તથા બાગાયત વિભાગ અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું.
આ તાલીમમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા ગુજરાતને પ્રાકૃતિક ખેતીનું મોડેલ બનાવવાના લક્ષ્યાંકને સિદ્ધ કરવા તમામ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વળવા હાંકલ કરાઈ હતી. વધુમાં પ્રાકૃતિક ખેતીથી માહિતગાર કરી તેના ફાયદાઓ પણ જણાવવામાં આવ્યા હતા.
આ ઉપરાંત તાલીમમાં બાગાયત વિભાગના અધિકારીઓ દ્વારા બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી અને ખેતીવાડી વિભાગના અધિકારીઓ દ્વારા રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અપાતી સહાય અને લાભો વિશે પણ માહિતી અપાઈ હતી.
વનવિભાગના અધિકારીઓ દ્વારા હાજર ખેડૂતો અને ગ્રામજનો માટે વિવિધ રોપાનું વિતરણ કરાયું હતું. આ તાલીમમાં પ્રાકૃતિક ખેતી કરતા સફળ ખેડૂતોએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા.
આ તાલીમમાં ધોલેરા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, ધંધુકા એપીએમસીના ચેરમેનશ્રી, આત્મા પ્રોજેક્ટના અધિકારી, ખેતીવાડી તથા બાગાયત વિભાગના અધિકારી, વનવિભાગના અધિકારી, પ્રગતિશીલ ખેડૂતો, ફાર્મર માસ્ટર ટ્રેનર અને ખેડૂતો હાજર રહ્યા હતા.