Western Times News

Gujarati News

પ્રાકૃતિક ખેતીમાં મિશ્રપાકોની પસંદગી કેવી રીતે કરવી ?

પ્રતિકાત્મક

મિશ્રપાક પદ્ધતિમાં વધુ ઉત્પાદન, જીવાત નિયંત્રણ, સરળ વૃદ્ધિ, ઓછો વાવેતર ખર્ચ સહિતના અનેક ફાયદા

પ્રાકૃતિક કૃષિમાં મિશ્રપાકોની ઉપયોગિતા વિશે જાણીએ

પ્રાકૃતિક કૃષિમાં એકસાથે એકથી વધુ પાકો લેવાની પદ્ધતિને ‘મિશ્ર પાક’ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. પ્રાકૃતિક કૃષિમાં એક મુખ્ય પાકની સાથે સહાયક પાકો લેવા પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. મિશ્ર પાક દ્વારા થતી પ્રાકૃતિક કૃષિના અનેક ફાયદા છે. તો ચાલો જાણીએ મિશ્રપાકોની પસંદગી, ઉપયોગિતા અને ફાયદાઓ વિશે.

મિશ્ર પાકના મહત્તમ ફાયદા મેળવવા માટે મુખ્ય પાક અને સહાયક પાકને ચોકસાઈપૂર્વક પસંદ કરવા જોઈએ.

  • પ્રાકૃતિક કૃષિમાં મિશ્ર પાકની પસંદગી એવી રીતે કરવી જોઈએ કે જેથી બંને પાકોના ફાયદા મેળવી શકાય અને બંને પાકો એકબીજાને નડતરરૂપ ન હોય.
  • પ્રાકૃતિક કૃષિનો મુખ્ય પાક એકદળી હોય તો સહયોગી પાક દ્વિદળી રાખવો જોઈએ.
  • મુખ્ય પાક કરતાં અડધો અથવા એક તૃતિયાંશ જીવનકાળ ધરાવતા સહયોગી પાક કે આંતરપાકને પસંદ કરવો જોઈએ. સહયોગી પાક મુખ્ય પાક કરતા ઓછાં સમયમાં તૈયાર થઈ જાય તેવો હોવો જોઈએ.
  • મુખ્ય પાક અને પેટા/સહયોગી પાકની પસંદગી એવી રીતે કરવી જોઈએ કે જો એક પાકના મૂળ જમીનમાં ઊંડા જાય તો બીજા પાકના મૂળ જમીનની સપાટી પર રહે.
  • પેટા પાક આઠવા સહયોગી પાકની ઉંચાઈ મુખ્ય પાક કરતાં ઓછી હોવી જોઈએ જેથી સૂર્યપ્રકાશ માટે બંને વચ્ચે સ્પર્ધા ન થાય.
  • સહયોગી પાક તરીકે વાવેલા છોડનો છાંયો મુખ્ય પાકના પાંદડા પર ન પડે તે પ્રકારનો સહયોગી પાક લેવો જોઈએ.
  • ઝડપથી વિકાસ પામે અને જમીનને જલ્દી ઢાંકી દે તેવો સહયોગી અથવા પેટા પાક મુખ્ય પાક માટે ફાયદારૂપ નીવડે છે.
  • જો મુખ્ય પાકના પાંદડાની તીવ્ર સૂર્યપ્રકાશની જરૂરિયાત હોય, તો સહયોગી પાક ઓછી ગરમીથી ઉછરી શકે કેવો હોવો જોઈએ.
  • જો મુખ્ય પાક ઝડપથી વિકસતો હોય, તો ધીમી વૃદ્ધિ પામતા પેટા પાક અથવા સહાયક પાક ઉછેરવા જોઈએ.

મિશ્રપાકના ફાયદા

  • જો બંને પાક એકબીજાથી અલગ પ્રકારના હોય તો સરેરાશ પરિણામ વધુ સારું આવે છે.
  • મુખ્ય પાક સાથે સહાયક પાક લેવાનો સૌથી મોટો ફાયદો એ છે કે સહાયક પાક લેવાથી મુખ્ય પાકના વાવેતરનો ખર્ચ તેમાંથી વળતર રૂપે મળી જાય છે.
  • મુખ્ય પાકને મળતા ફોસ્ફરસ, નાઈટ્રોજન, પોટાશ જેવા જરૂરી પોષક તત્વો સહયોગી પાકના મૂળમાં રહેતા રાઈઝોબિયમ, એઝોસ્પીરીલમ અને એઝોટોબેક્ટર જેવા બેક્ટેરિયાની મદદથી મુખ્ય પાકની વૃદ્ધિને સરળ બનાવવામાં મદદરૂપ થાય છે.
  • મુખ્ય પાક અને સહયોગી પાકના વિરોધાભાસી ગુણધર્મોને કારણે મિશ્ર પાક કુદરતી જીવાત નિયંત્રણમાં પરિણમે છે.
  • મિશ્ર પાક કુદરતી આવરણ પૂરું પાડે છે, તેથી આચ્છાદનના તમામ લાભો પ્રાપ્ત થાય છે.
  • બે કે તેથી વધુ પાક એકસાથે લેવાથી સરેરાશ ઉત્પાદન વધે છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.