ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ધોલેરાના 1400 ખેડૂતોને રૂ. 76.78 લાખની સહાય ચૂકવાઇ
રાજ્ય સરકાર દ્વારા દેશી ગાય નિભાવ પેટે ખેડૂતોને દર મહિને રૂ.900 અને વાર્ષિક રૂ.10,800 ની સહાય અપાય છે
રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા અને વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. પ્રાકૃતિક ખેતીની મુખ્ય આધારસ્તંભ દેશી નસ્લની ગાય છે. દેશી ગાયના છાણ અને મૂત્રમંથી ખાતર અને દવા બનાવી પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે.
ખેડૂતોને મદદ કરવા રાજ્ય સરકાર દ્વારા દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ગાયના નિભાવ માટે દર મહિને રૂ.900 અને વાર્ષિક રૂ.10,800 ની સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ અમદાવાદ જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં 4 હાજર જેટલા ખેડૂતોને રૂ. 2.15 કરોડની સહાય ચુકવવામાં આવી છે.
જે અંતર્ગત ધોલેરા તાલુકામાં છેલ્લા 3 વર્ષમાં 1422 જેટલા ખેડૂતોને ગાય નિભાવ પેટે રૂ. 76.78 લાખની સહાય ચુકવવામાં આવી છે. જે પૈકી વર્ષ 2020-21માં 880 જેટલા ખેડૂતો, વર્ષ 2021-22માં 398 જેટલા ખેડૂતો અને વર્ષ 2022-23માં 144 જેટલા ખેડૂતોને ગાય નિભાવ પેટે સહાય ચુકવવામાં આવી છે તેમ આત્માના પ્રોજેક્ટ ડાયરેકટર શ્રી કે.કે.પટેલે જણાવ્યું હતું.
ગાય નિભાવ સહાય યોજના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને આર્થિક મદદ અને પ્રોત્સાહન પૂરું પાડવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલ ગાય નિભાવ સહાય યોજના ખેડૂતોને નાણાકીય સહાય આપીને પશુપાલન સાથે પ્રાકૃતિક પદ્ધતિઓને પ્રોત્સાહન અને વેગ આપવાનો છે.