રાસાયણિક ખેતીથી દેશની આર્થિક પરિસ્થિતિ, લોકોનાં સ્વાસ્થ્ય અને પર્યાવરણને ગંભીર અસર થઈ છે : રાજ્યપાલ

જૈવિક ખેતી (ઑર્ગેનિક ખેતી) અને પ્રાકૃતિક ખેતી વચ્ચે જમીન-આસમાનનું અંતર છે : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની પહેલને પગલે સમગ્ર દેશમાં તા. ૧ એપ્રિલથી પ્રાકૃતિક ખેતી મિશન શરૂ થઈ રહ્યું છે : જૈવિક ખેતી (ઑર્ગેનિક ખેતી) અને પ્રાકૃતિક ખેતી વચ્ચે જમીન-આસમાનનું અંતર છે : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રાકૃતિક ખેતી પરિસંવાદ અને વર્કશોપનું આયોજન
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં પહેલી એપ્રિલથી રાષ્ટ્રીય પ્રાકૃતિક ખેતી મિશન શરૂ થઇ રહ્યું છે. જેના પરિણામે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધશે. આજે ગ્લોબલ વોર્મિંગ દુનિયા સામે મોટો પડકાર છે. રાસાયણિક ખાતરના વપરાશથી જમીનના જૈવિક કાર્બનમાં મોટાપાયે ઘટાડો થયો છે. આઝાદી પછીના સમયમાં દેશની જમીનમાં ૨ થી ૨.૫ ટકા જૈવિક કાર્બન હતો. જે ઘટીને ૦.૨ થી ૦.૫ ટકા થઈ ચૂક્યો છે.
૦.૫ ટકાથી ઓછો જૈવિક કાર્બન હોય તે જમીન બીનપજાઉ હોય છે. આવી જમીન પથ્થર જેવી થઈ જવાથી પાણી પણ સંગ્રહ કરી શકતી નથી. જો આવી જ સ્થિતિ રહેશે તો આવનારા સમયમાં પીવાનું પાણીની પણ સમસ્યા સર્જાશે. આ તમામ સમસ્યાઓનું સમાધાન પ્રાકૃતિક ખેતીમાં છે. પ્રાકૃતિક ખેતીથી ધરતીમાં રહેલો ઓર્ગેનિક કાર્બન વધે છે. જમીન પોચી બને છે.
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને આજે દાંતીવાડામાં સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલય અને નેશનલ સેન્ટર ફોર ઓર્ગેનિક & નેચરલ ફાર્મિંગ, ગાઝિયાબાદના સંયુક્ત ઉપક્રમે ઓડિટોરિયમ હોલ ખાતે પ્રાદેશિક મેગા પ્રાકૃતિક ખેતી પરિસંવાદ-સહ-વર્કશોપ યોજાયો હતો. આ પરિસંવાદમાં પ્રાકૃતિક કૃષિના તજજ્ઞો દ્વારા ખેડૂતો પ્રાકૃતિક ખેતી વિશે વિસ્તૃત જાણકારી મેળવી રહ્યા છે. આ આયોજનથી આગામી સમયમાં પ્રાકૃતિક કૃષિ અભિયાનને વેગવાન બનાવવા વિશેષ પ્રયાસો હાથ ધરાશે.
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ વધુમાં કહ્યું કે, રાસાયણિક ખાતરોના વપરાશથી કેન્સર, હાર્ટ એટેક, ડાયાબિટીસ સહિતની બીમારીઓ વધી રહી છે. તાજેતરમાં એક મહિલા વૈજ્ઞાનિકે ૩૦ બાળકો પર કરેલા સંશોધનમાં બાળકોના બ્લડ સેમ્પલમાં પેસ્ટીસાઈડસ મળી આવ્યા હતા. રાસાયણિક ખેતીથી દેશની આર્થિક પરિસ્થિતિ, લોકોનું સ્વાસ્થ્ય અને પર્યાવરણને ગંભીર અસર થાય છે. ખેતીમાં યુરિયાના ઉપયોગથી નાઈટ્રસ ઓક્સાઈડ ગેસ પેદા થાય છે. જે કાર્બન ડાયોક્સાઈડ કરતાં ૩૧૨ ગણો ખતરનાક છે.
રાજ્યપાલશ્રીએ જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો તફાવત સમજાવતા કહ્યું કે, જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી તદ્દન અલગ છે. છેલ્લા ૩૦ વર્ષના અનુભવો ઉપરથી સિદ્ધ થયું છે કે જૈવિક ખેતીથી ખેડૂતોને કોઈ ફાયદો થયો નથી, જ્યારે પ્રાકૃતિક ખેતી અપનાવવાથી ઉત્પાદન પણ વધે છે અને જમીનની ફળદ્રુપતા પણ વધે છે. પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઓછું મળે છે એ વાત સંદતર ખોટી છે. હળદરમાં તો પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન બમણું થયું છે.
પ્રાકૃતિક ખેતી કુદરતી ખેતી છે જેમાં બહારથી કોઈ ઈનપુટ લેવામાં આવતા નથી, જ્યારે જૈવિક ખેતીમાં બહારથી ઇનપુટ લેવામાં આવે છે. દેશની ભાવિ પેઢીને સુરક્ષિત કરવા માટે પ્રાકૃતિક ખેતી અપનાવા રાજ્યપાલશ્રી સૌને અનુરોધ કર્યો હતો.
સૂક્ષ્મ જીવાણુઓ , મિત્ર કીટકો અને અળસિયાનું મહત્વ સમજાવતાં રાજ્યપાલશ્રીએ કહ્યું કે, જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચે જમીન આસમાનનું અંતર છે. આહારથી વિચારની શુદ્ધિ થાય છે, આજના ઝેરયુક્ત આહારથી હિંસાનું પ્રમાણ વધ્યું છે. જેથી દેશની ભાવિ પેઢીને સુરક્ષિત કરવા માટે પ્રાકૃતિક ખેતી અપનાવા રાજ્યપાલશ્રી સૌને અનુરોધ કર્યો હતો.
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતની પાંચ કૃષિ યુનર્વિસટી દ્વારા થયેલા શોધ સંશોધન બદલ બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. અલગ અલગ રાજ્યમાંથી આવેલ પ્રાકૃતિક ખેતી કરતા ૯ ખેડૂતોને સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રાકૃતિક ખેતી આધારિત અને ખેડૂતોની સાફલ્ય ગાથા વર્ણવતી પુસ્તિકાનું રાજ્યપાલશ્રીના હસ્તે વિમોચન કરાયું હતું. આ પ્રસંગે નાબાર્ડ સંચાલિત (આર.બી.સી.આઇ) ઈનક્યુબેશન સ્ટાર્ટ અપના સર્ટીફીકેટ કોર્સનું પણ લોન્ચિંગ કરાયું હતું.
આ પ્રસંગે નેશનલ સેન્ટર ફોર ઓર્ગેનિક & નેચરલ ફાર્મિંગ ગાઝિયાબાદના નિર્દેશક શ્રી ગગનેશ શર્મા, નાગપુર સેન્ટરના નિર્દેશક શ્રી એ.એસ.રાજપૂત, અક્ષય કૃષિ પરિવારના અધ્યક્ષ શ્રી ડો.મનોજ સોલંકી, સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ .આર.એમ ચૌહાણ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી વી.પી ચોવટીયા, આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી કે.બી. કથરિયા, જિલ્લા કલેકટર શ્રી મિહિર પટેલ,
જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.જે દવે, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગોવા રાજ્યોના પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, બાગાયત ખાતું, કૃષિ યુનિવર્સિટીઓ, ખેતીવાડી ખાતાના અધિકારીઓ તેમજ સંશોધકો, પ્રગતિશીલ ખેડૂતો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.