આયુર્વેદમાં ઉપયોગી વૃક્ષો-છોડનું વાવેતર પ્રાકૃતિક પદ્ધતિથી થાય તો તેની ગુણવત્તા સારી થશે : રાજ્યપાલ
આયુર્વેદ વ્યાસપીઠ સંસ્થાના આગેવાનો સાથે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનો આયુર્વેદની વિશેષ ચિકિત્સા પદ્ધતિઓ વિશે વિસ્તૃત વિમર્શ
આયુર્વેદમાં ઉપયોગી વનસ્પતિઓ, ઔષધીય વૃક્ષો-છોડનું વાવેતર અને ઉછેર પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી થાય તો તેની ગુણવત્તા વધુ સારી થશે અને ઉત્પાદનમાં પણ વૃદ્ધિ થશે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આયુર્વેદ વ્યાસપીઠ સંસ્થાના ગુજરાત રાજ્યના અગ્રણીઓ સાથેની બેઠકમાં આ સૂચન કરતાં જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ઔષધીય વૃક્ષ અને છોડના વાવેતર માટે વિશેષ રુચી લે તે સમયની માંગ છે.
ભારતમાં આયુર્વેદ ક્ષેત્રમાં સેવા, સંશોધન અને શિક્ષણ કાર્યમાં સક્રિય આયુર્વેદ વ્યાસપીઠ સંસ્થાના ગુજરાત રાજ્યના આગેવાનો રાજભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતા. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આયુર્વેદની વિશેષ ચિકિત્સા પદ્ધતિઓ વિશે વિસ્તૃત વિમર્શ કર્યો હતો.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, માનવ નિર્માણ સૌથી મહાન કાર્ય છે. ગર્ભ સંસ્કાર અને સુવર્ણ પ્રાસનથી આ દિશામાં યોગ્ય કાર્ય થઈ રહ્યું છે. આયુર્વેદના આહાર શસ્ત્રનું બાળકોને નાનપણથી જ શિક્ષણ અને સમજણ આપવા પર તેમણે ભાર મૂક્યો હતો. શુદ્ધ, પૌષ્ટિક અને સ્વાસ્થ્યપ્રદ આહારના મહત્વ વિશે માર્ગદર્શન આપતાં તેમણે કહ્યું કે, નાનપણની ખાન-પાનની સારી આદતો આખું જીવન સુધારે છે.
આયુર્વેદની વિવિધ ચિકિત્સા પદ્ધતિઓ પર વૈજ્ઞાનિક સંશોધનો થવા જોઈએ, આયુર્વેદ પ્રેક્ટિસ કરતા વૈદ્ય આ માટે જરૂરી ડેટાબેઝ તૈયાર કરે અને આયુર્વેદથી થતી ચિકિત્સાનો યોગ્ય પ્રચાર-પ્રસાર થાય તે માટે પણ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં વૈદ્ય શ્રી ફાલ્ગુન પટેલ, વૈદ્ય શ્રી હિતેશ જાની, વૈદ્ય પ્રજ્ઞાબેન મહેતા અને વૈદ્ય કરિશ્માબેન નરવાણી તથા આયુર્વેદ વ્યાસપીઠ સંસ્થાના અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.