Western Times News

Gujarati News

પર્યાવરણ જાળવણી તેમજ સ્વસ્થ જીવનના સંદેશ આપતા લોકસંપર્ક કાર્યક્રમનું આયોજન

(માહિતી બ્યુરો, પાલનપુર) ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો, પાલનપુર દ્વારા દાંતા તાલુકાના માંકડી, રીહેન એચ.મેહતા વિદ્યાલય ખાતે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત પ્રદર્શન સાથે લોકસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા આઝાદીના અમૃત વર્ષની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે દેશના નાગરિકોમાં રાષ્ટ્ર ભાવના, દેશ દાઝના વિચારોનું સિંચન થાય તેમજ રાષ્ટ્ર નિર્માણમાં તેમની ભાગીદારી વધે સાથે જ ભારત સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ તેમજ વિવિધ અભિયાનોની જાણકારી છેવાડાના માનવી સુધી પહોંચે એ અર્થે વિવિધ લોકસંપર્ક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. દાંતા તાલુકાના માંકડી ખાતે આયોજીત આ કાર્યક્રમમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ચિત્ર પ્રદર્શન, રેલી, સ્વચ્છ ભારત અભિયાનની પતિજ્ઞા સાથે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

પર્યાવરણ જાળવણી માટે આપણી વનસ્પતિના ગુણધર્મો દર્શાવતી વનસ્પતિ ઓળખો હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા મૌખિક તેમજ ચાર્ટના માધ્યમથી આકર્ષક રજૂઆત કરવામાં આવી હતી. શ્રી સાબરકાંઠા જિલ્લા યુવા પરીવાર તેમજ માટી ફાઉન્ડેશનના કલાકાર મિત્રો દ્વારા વિવિધ વિષયોને આવરી લેતા મનોરંજક નાટકની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

આ પ્રસંગે કાર્યક્રમમાં દાંતા તાલુકા આરોગ્ય અધિકારી ડો. નીશાબેન ડાભી, ગુજરાત ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સંસ્થાના મેનેજિંગ ડાયરેક્ટરશ્રી મહાદેવભાઈ ચૌધરી, શ્રી ભોજાભાઈ તરાલ, માંકડી ગ્રામ પંચાયત સરપંચ તેમજ રિહેન એચ. મેહતા વિદ્યાલયના ઉત્સાહી આચાર્યશ્રી રાકેશભાઈ પ્રજાપતિની ઉપસ્થિતિમાં કાર્યક્રમની જાણકારી આપતા ઉત્તર ગુજરાત ઝોનના કેન્દ્રીય સંચાર બ્યુરો, પાલનપુરના અધિકારી જે. ડી. ચૌધરીએ કાર્યક્રમના હેતુને સ્પષ્ટ કરતા જણાવ્યું કે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે કેન્દ્ર સરકારના આ વિભાગ દ્વારા ભારત સરકારના વિવિધ અભિયાનોની સંપૂર્ણ જાણકારી લોકો સમક્ષ પહોંચાડવા તેમજ જનભાગીદારી વધારવાનો પણ આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય છે.

આ પ્રસંગે ડો. નીશાબેન ડાભી દ્વારા આરોગ્યની વિવિધ સેવાઓની જાણકારી સાથે કોરોના જેવા રોગોથી બચવા સાવચેતી રાખવા જણાવ્યું હતું. શ્રી મહાદેવભાઈ ચૌધરી દ્વારા પર્યાવરણની જાળવણી માટે તેમજ માનવ જીવનના વિકાસમાં વૃક્ષો અને વનરાજીનું મહત્વ સમજાવ્યું હતું તેમજ દરેક નાગરિકને વન્ય જાળવણીનો સંકલ્પ લેવા અપીલ કરી હતી. તંદુરસ્ત જીવન માટે શુદ્ધ આબોહવા તેમજ વનસ્પતિ અને વૃક્ષોની જાળવણીના સંદેશ સામાન્ય જન સમુદાય સુધી પહોંચે એ માટે વિદ્યાલય દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃતિઓની જાણકારી શ્રી રાકેશભાઈ પ્રજાપતિએ આપી હતી.

કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુર દ્વારા આયોજિત કાર્યક્રમના સંદેશાઓ દાંતા તાલુકાના અન્ય ગામોમાં પહોંચે એ અર્થે અગાઉના દિવસોમાં વેકરી તેમજ સાંઢોશી આશ્રમ શાળાઓમાં ચિત્ર સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિજેતાઓને વિભાગ દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા હતાં. માકડી ખાતે આયોજિત કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.