‘G20 અને ભારતીય મૂલ્યો: PRના પરિપ્રેક્ષ્યમાં’ પર વ્યાખ્યાનનું આયોજન
PRSI AHMEDABAD ચેપ્ટરે અમદાવાદમાં નેશનલ પબ્લિક રિલેશન્સ ડેની ઊજવણીના ભાગરૂપે ‘G20 અને ભારતીય મૂલ્યો: પીઆરના પરિપ્રેક્ષ્યમાં’ પર વ્યાખ્યાનનું આયોજન કર્યું
અમદાવાદ, નેશનલ પબ્લિક રિલેશન્સ (PR) ડે 2023 નિમિત્તે, પીઆરએસઆઈ અમદાવાદ ચેપ્ટર દ્વારા શુક્રવારે ‘G20 અને ભારતીય મૂલ્યો: પીઆરના પરિપ્રેક્ષ્યમાં’ થીમ પર વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ઈન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ (આઈએસીસી)ના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ડ શ્રી પંકજ બોહરા મુખ્ય વક્તા હતા.
તેમની પ્રારંભિક ટિપ્પણીમાં, પીઆરએસઆઈ અમદાવાદ ચેપ્ટરના વાઇસ ચેરમેન શ્રી ત્રિલોક સંઘાણીએ પીઆર પ્રોફેશનલ્સના સમુદાયને PRSIના ઇતિહાસ અને નેશનલ પીઆર ડે (National PR Day) વિશે માહિતી આપી હતી. પીઆરએસઆઈ અમદાવાદ ચેપ્ટરના નવા ચૂંટાયેલા ચેરમેન શ્રી નિખિલ અબોટીએ આ કાર્યક્રમ દરમિયાન ચેપ્ટરના નવા હોદ્દેદારોનો પરિચય કરાવ્યો હતો.
શ્રી ત્રિલોક સંઘાણી (TRILOK SANGHANI) પીઆરએસઆઈ અમદાવાદ ચેપ્ટરના વાઇસ ચેરમેન છે, શ્રી વિકી શાહ સેક્રેટરી છે અને શ્રી હેમંત સદકરને ટ્રેઝરર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જ્યારે શ્રી રાજેશ હિંગુ ચેપ્ટરના જોઈન્ટ સેક્રેટરી છે.
મુખ્ય વક્તવ્ય આપતાં, શ્રી બોહરાએ ભારતના ‘અમૃત કાળ’માં પબ્લિક રિલેશન્સ પ્રોફેશનલ્સની ભૂમિકા અને જવાબદારી પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ખાસ કરીને એ હકીકત પર ભાર મૂક્યો કે G20ની અધ્યક્ષતા એ આપણા સાંસ્કૃતિક વારસા અને વિચારધારાની સાથે ‘વસુધૈવ કુટુંબકમ’ (વિશ્વ એક પરિવાર છે) અને ઈનોવેશનના ભારતના વિઝનને પ્રોત્સાહિત કરવાની એક શ્રેષ્ઠ તક છે.
નેશનલ પીઆર ડેના ભાગરૂપે, માસ કોમ્યુનિકેશન અને જર્નાલિઝમના વિદ્યાર્થીઓ માટે એક નિબંધ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને વિજેતાને નેશનલ પીઆર ડે કાર્યક્રમના ભાગરૂપે સન્માનિત કરવામાં આવ્યા હતા.
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે આયોજિત કાર્યક્રમમાં પીઆરએસઆઈ અમદાવાદ ચેપ્ટરના વર્તમાન અને ભૂતકાળના પદાધિકારીઓ, પીઆર પ્રોફેશનલ્સ, શિક્ષણવિદો, તેમજ સ્નાતક અને અનુસ્નાતક સ્તરે માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.