Western Times News

Gujarati News

વડોદરા ખાતે MSME માટે ટાઉનહોલ બેઠકનું આયોજન

વડોદરા, ભારતની જી-20 અધ્યક્ષતા હેઠળ 14 થી 18 જુલાઈ, 2023 દરમ્યાન ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે નાણામંત્રીઓ અને સેન્ટ્રલ બેંકના ગવર્નરની ત્રીજી બેઠક યોજાવાની છે. આ બેઠકના અનુસંધાનમાં વ્યાપક જાગૃતિ માટે અને ભારતની જી-20 અધ્યક્ષતાની સામૂહિક ઉજવણીના હેતુથી 14 જૂન, 2023ના રોજ વડોદરા ખાતે ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ), અમદાવાદ દ્વારા સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઇ) માટે ટાઉનહોલ બેઠકના રૂપમાં ‘જન ભાગીદારી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં બેંક ઓફ બરોડા (બીઓબી), સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ), સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા (સિડબી), એમએસએમઇ-ડેવલપમેન્ટ એન્ડ ફેસિલિટેશન ઓફિસ (એમએસએમઇ-ડીએફઓ), ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીઝ સેન્ટર (ડીઆઇસી, વડોદરા) ના વરિષ્ઠ અધિકારીઓ અને 125 એમએસએમઇ ઉદ્યોગસાહસિકો ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય રિઝર્વ બેંકના સહાયક મહાપ્રબંધક શ્રી યશરાજ વૈષ્ણવે તેમના ઉદઘાટન સંબોધનમાં જી-20, તેના ઇતિહાસ અને ભારત આ જૂથના પ્રમુખપદની જવાબદારી સંભાળી રહ્યું છે તે નિર્ણાયક તબક્કા વિશે ટૂંકમાં વાત કરી હતી.

એસબીઆઈ, બીઓબી, સિડબી, એમએસએમઇ-ડીએફઓ અને ડીઆઈસીના વરિષ્ઠ અધિકારીઓએ એમએસએમઇને જાગૃતિ ફેલાવવા અને બેંકિંગ સેવાઓની સુવિધા માટે તેમની સંબંધિત સંસ્થાઓ દ્વારા લેવામાં આવેલી વિવિધ પહેલોની ટૂંકમાં ચર્ચા કરી હતી અને વડોદરામાં આ પ્રકારની બેઠક યોજવા માટે આરબીઆઈના પ્રયાસોની પ્રશંસા કરી હતી.

‘ટ્રેડ રિસીવેબલ્સ ડિસ્કાઉન્ટિંગ સિસ્ટમ (ટીઆરઈડીએસ) નું વિહંગાવલોકન’ અને ‘રાજ્ય અને કેન્દ્ર સરકારની પ્રમુખ એમએસએમઇ યોજનાઓ’ પર વિશેષ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રણ એમએસએમઇ ઉદ્યોગસાહસિકોએ તેમની સફળતાની ગાથાઓ રજૂ કરી હતી, ત્યારબાદ ઉદ્યોગસાહસિકો અને ઔદ્યોગિક સંગઠનોના પ્રતિનિધિઓ સાથે એક ચર્ચાસત્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે ઉઠાવેલા પ્રશ્નોના જવાબ આરબીઆઈ અને અન્ય સરકારી/બેંક અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યા હતા.

બેઠકના ઉદ્દેશ્યને વધુ સાકાર કરવા માટે વડોદરાની સ્થાનિક હેન્ડવર્ક ક્રાફ્ટને દર્શાવતું એક અલગ લાઇવ કાઉન્ટર તૈયાર કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને તમામ સહભાગીઓ અને હિસ્સેદારો દ્વારા સારો આવકાર મળ્યો અને આયોજનની પ્રશંસા કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.