અમદાવાદ હાટ ખાતે આદિવાસી હસ્તકલા-કૃતિ, આહાર, વનૌષધીય વેચાણ અને પ્રદર્શન મેળાનું આયોજન
શિક્ષણ મંત્રી શ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર અને રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે પરંપરાગત આદિવાસી હસ્તકલા-કૃતિ, આહાર, વનૌષધીય વેચાણ અને પ્રદર્શન મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું
આદિવાસી સમાજે દેશ માટે આપેલા બલિદાન અને તેમના દેશપ્રેમને હંમેશાં યાદ કરવામાં આવશે: મંત્રી શ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર
વસ્ત્રાપુરના અમદાવાદ હાટ ખાતે બિરસા મુંડાની 148મી જયંતીએ મનાવાતા ‘જનજાતિય ગૌરવ દિવસ’ના ઉપલક્ષ્યમાં પરંપરાગત આદિવાસી હસ્તકલા-કૃતિ, આહાર, વનૌષધીય વેચાણ અને પ્રદર્શન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ ગુજરાત સરકારના મંત્રી શ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર અને આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકારાના રાજ્યકક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે આ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
આ પ્રસંગે મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોરે ગોલ્ડ જુડો વર્લ્ડ ચેમ્પિયનશિપમાં જીતેલા રમતવીરોને મોમેન્ટો અને રૂ. 21000નો ચેક આપીને સન્માનિત કર્યા હતા. તેમણે આ પ્રસંગે આદિવાસી સમાજની સંસ્કૃતિ, રહેણીકરણી, વન ઔષધીઓ, વૃક્ષો, આદિજાતિ વિસ્તારમાં રહેતા પક્ષીઓ વન્ય પરંપરાઓ, ખોરાક વગેરેને યાદ કરતા આદિવાસી સમાજની પ્રશંસા કરી હતી.
આ પ્રસંગે તેમણે ભારતના ઇતિહાસને યાદ કરતા આદિજાતિના શહીદો અને દેશપ્રેમીઓની સરાહના કરી હતી. આદિવાસી લોકોનો દેશપ્રેમ અને બલિદાનો દેશમાં હંમેશાં યાદ કરવામાં આવશે અને રાષ્ટ્રપ્રેમનો આદિવાસીઓનો જુસ્સો હંમેશાં યથાવત રહેશે, તેમ તેમણે કહ્યું હતું. ભારત સરકાર દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ જેવી કે ઉજ્જવલા યોજના, આયુષ્માન ભારત યોજના, જનધન યોજના વગેરેનો ઉપયોગ કરીને નવા સંકલ્પ અને ઉપલબ્ધિયો સાથે આદિવાસી સમાજ પ્રગતિ કરે તેવી અભ્યર્થના તેમણે વ્યક્ત કરી હતી.
મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ આદિવાસી સમાજના ગૌરવ અને રત્ન સમાન પદ્મશ્રી પરેશભાઈ રાઠવાનું સન્માન કર્યું હતું. મંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને સંબોધિત કરતા કહ્યું કે, આજે વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ ઝારખંડના છોટા નાગપુર જેવા આદિવાસી વિસ્તારમાંથી કરાવ્યો, એ આદિવાસી લોકો માટે ગૌરવની વાત છે.
ભગવાન બિરસા મુંડાની 148મી જયંતી નિમિત્તે મંત્રીશ્રીએ બિરસા મુંડાનો દેશ માટેનો સંઘર્ષ અને દેશની આઝાદી માટેની લડતને યાદ કરતા તેમનો જીવન પરિચય આપ્યો હતો. અસામાન્ય સંજોગોમાં પણ બિરસા મુંડા જેવા 25 વર્ષના યુવાને કેવી રીતે દેશ માટે બલિદાન આપ્યું હતું તેને યાદ કરીને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ આદિવાસી વિસ્તારમાંથી કરવામાં આવ્યો, તે આદિવાસી લોકો માટે ગર્વ લેવા જેવી બાબત છે. ફક્ત આદિવાસી લોકો માટે જ ઘડવામાં આવેલી વનબંધુ યોજનાઓ જેવી યોજનાઓ બનાવીને સરકાર તેમના વિકાસ માટે પૂરતા પ્રયત્નો કરી રહી છે, એવું તેમણે ઉમેર્યું હતું.
આદિજાતિ વિકાસ, ગુજરાત સરકાર દ્વારા તા 21થી તા. 27 નવેમ્બર, 2023 સુધી અમદાવાદ હાટ, વસ્ત્રાપુર ખાતે આદિવાસી પરંપરાગત હસ્તકલા-કૃતિ વેચાણ અને પ્રદર્શન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં 14 જિલ્લાના 54 જેટલા તાલુકામાંથી આદિજાતિ વિસ્તારના હસ્તકલા-કારીગરો પરંપરાગત વનૌષધિ, પરંપરાગત ખાણી-પીણી સહિત કુલ 80 જેટલાં સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં આદિવાસી પરંપરાગત હસ્તકલા-કૃતિ, ફૂડ આઈટમ, વનૌષધિનું વેચાણ અને પ્રદર્શન કરવામાં આવશે. આ મેળા દરમિયાન દરરોજ સાંજે પ્રખ્યાત આદિવાસી નૃત્ય ટીમો દ્વારા સાંસ્કૃતિક નૃત્ય પ્રદર્શિત કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં આદિજાતિ વિભાગના અગ્ર સચિવ શ્રી ડૉ. એસ. મુરલી ક્રિષ્ના, આદિજાતિ વિભાગના મદદનીશ કમિશનર શ્રી વસાવાભાઈ, આદિજાતિ વિભાગના નિયામક શ્રી સુપ્રીતસિંહ ગુલાટી, સાબરમતીના કોર્પોરેટર શ્રી બાબુભાઈ રાણા, લાંભાના કોર્પોરેટર શ્રીમતી જશોદાબહેન આમલીયાર, અસારવાના પૂર્વ કોર્પોરેટર શ્રી તુલસીભાઈ ભીલ અને આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.