અમદાવાદ રેલવે ડિવિઝન ખાતે “વિશ્વ પર્યાવરણ દિવસ” નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મિશન લાઈફ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણા પર્યાવરણને સુરક્ષિત અને સંરક્ષિત રાખવા માટે, વિશ્વ પર્યાવરણ દિવસ પર દર વર્ષે એક વિશેષ થીમ રાખવામાં આવે છે,
આ વર્ષની થીમ છે “Land Restoration, Desertification and Drought Resilience”એટલે કે જમીન સુધારણા, મરૂસ્થલીકરણ અને દુષ્કાળનો સામનો કરવાની ક્ષમતા. આ દરમિયાન અમદાવાદ ડિવિઝનમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક અને પ્લાસ્ટિકનો યોગ્ય નિકાલ વિષય પર નિબંધ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, વૃક્ષારોપણ, પર્યાવરણ સંરક્ષણ માટે સંકલ્પ લેવામાં આવ્યો હતો અને સાથે જાગૃતિ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
ડીઝલ શેડ સાબરમતીમાં ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી સુધીર કુમાર શર્મા અને તમામ શાખા અધિકારીઓ અને રેલવે કર્મચારીઓ દ્વારા મોટા પાયે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ડિવિઝનલ રેલવે મેનેજરે દરેકને તેમની ભાવિ પેઢીને શુદ્ધ હવા, પાણી અને પર્યાવરણ મળી રહે તે માટે વૃક્ષારોપણ કરવાની અપીલ પણ કરી હતી.
ડિવિઝનલ રેલવે મેનેજરની ઓફિસમાં પર્યાવરણ દિવસ નિમિત્તે આયોજિત નિબંધ સ્પર્ધામાં રેલવે કર્મચારીઓએ સિંગલ યુઝ પ્લાસ્ટિક અને પ્લાસ્ટિકનો યોગ્ય નિકાલ વિષય પર નિબંધ લખ્યા હતા.તથા કોમ્યુનીટી ભવન સાબરમતી ખાતે રેલવે કર્મચારીઓના બાળકોએ સિંગલ યુઝ પ્લાસ્ટીક, પ્લાસ્ટીકનો યોગ્ય નિકાલ અને પ્લાસ્ટીકના કચરા અંગે જાગૃતિ વિષય પર આયોજીત ચિત્ર સ્પર્ધામાં પર્યાવરણ સંરક્ષણ પર શ્રેષ્ઠ ચિત્રો બનાવ્યા હતા.
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ડિવિઝનમાં વિવિધ સ્થળોએ જાગૃતિ રેલી અને પર્યાવરણને અનુકૂળ વ્યવહાર કરવા માટે શપથનું આયોજન કરવામાં આવ્યું હતું અને અમદાવાદ રેલવે સ્ટેશન પર રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું અને કાલુપુર હેલ્થ યુનિટના તબીબો અને સ્ટાફ દ્વારા લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગથી પ્રકૃતિને થનાર નુકસાન વિશે માહિતી આપવામાં આવી હતી.
તેમજ સુકા કચરા અને ભીના કચરાના નિકાલ અંગે પણ માહિતી આપવામાં આવી હતી અને લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા માટે લોકોને જાગૃત થાય કરવાના હેતુથી વિવિધ સ્થળોએ પોસ્ટર અને બેનરો પણ લગાવવામાં આવ્યા હતા. ડિવિઝનના વિવિધ સ્ટેશનો, હોસ્પિટલો, હેલ્થ યુનિટો, ડિવિઝનની રેલવે કોલોનીઓ, વર્કશોપ, શેડ અને ડેપોને હરિયાળી રાખવા માટે વૃક્ષારોપણ અને પર્યાવરણ સંરક્ષણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.