સાવલી, ડભોઈ અને ત્રિમંદિર વરણામા ખાતે વીજ મહોત્સવનું આયોજન
વડોદરા જિલ્લામાં ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય પાવર @૨૦૪૭ અંતર્ગત વીજ મહોત્સવનું આયોજન-એમ.જી.વી.સી.એલ ની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓની જાણકારી અપાશે
વડોદરા, ભારત સરકારના વિદ્યુત મંત્રાલય દ્વારા તા. ૨૬ જુલાઈથી તા. ૩૦ જુલાઈ – ૨૦૨૨ સુધી આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ઉજ્જવલ ભારત,ઉજ્જવલ ભવિષ્ય પાવર @૨૦૪૭ વીજ મહોત્સવ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે.જેના ભાગરૂપે મધ્ય ગુજરાત વીજ કંપની લિ. વડોદરા દ્વારા જિલ્લાના સાવલી, ડભોઈ અને વરણામા ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવશે.
આ અંગેની વિગતો આપતા એમ.જી.વી.સી.એલના અધિક્ષક ઈજનેર શ્રી એન. એસ.ચાવડાએ જણાવ્યું કે ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ પાવર @ ૨૦૪૭ અંતર્ગત તા. ૨૬.૦૭.૨૦૨૨ ના રોજ બપોરે ૧૨ કલાકે ભીમનાથ મહાદેવ મંદિર, સાવલી ખાતે તા. ૨૯ ના રોજ સવારે ૧૧ કલાકે ૧૭ ગામ પટેલ સમાજવાડી ડભોઈ અને તા. ૩૦ જુલાઈના રોજ સવારે ૧૧ કલાકે ત્રિમંદિર, વરણામા ખાતે કાર્યક્રમ યોજાશે.
તેમણે ઉમેર્યું કે આ વીજ મહોત્સવ કાર્યક્રમ દેશની આઝાદીના ૭૫ વર્ષ પુર્ણ થયાની ઉજવણીના ભાગરૂપે યોજવામાં આવ્યો છે. રાજ્યમાં જ્યોતિ ગ્રામ યોજના , સૂર્ય ગુજરાત (સોલર રૂફ ટોપ) યોજના ,કુટીર જ્યોત તથા ઝૂંપડપટ્ટી વીજ જોડાણ યોજના ,
ખેડૂતોને વીજ બિલમાં રાહત આપવાની યોજના, સરદાર કૃષિ યોજના, ખુશી યોજના,સાગરખેડુ સર્વાંગી વિકાસ યોજના, ડી.આઇ.એસ.એસ યોજના અને વનબંધુ કલ્યાણ જેવી વિવિધ યોજનાઓ વીજ કંપનીઓ દ્વારા અમલમાં મૂકવામાં આવી છે.જે અંગેની જાણકારી વીજ મહોત્સવના માધ્યમથી લોકો સુધી પહોંચાડવામાં આવશે.
રાજ્યમાં આ યોજનાઓના અસરકારક અમલ દ્વારા અભૂતપૂર્વ કામગીરી કરી સર્વાંગી વિકાસ સાધવામાં આવ્યો છે. ગુજરાત મોડેલની પ્રગતિ સમગ્ર દેશમાં મોખરા નું સ્થાન ધરાવે છે. ગુજરાતની ચાર વીજ વિતરણ કંપની દ્વારા સમગ્ર દેશમાં પ્રથમ પાંચ પૈકીનું સ્થાન જાળવી રાખી સેવા એ જ સાધનાના સૂત્રને સાર્થક કર્યું છે.