માઉન્ટ આબુ ખાતે પર્વતારોહણના એડવેન્ચર અને કોચિંગ રોક ક્લાઇબ્બીંગ કોર્ષનું આયોજન
રાજ્યના યુવક-યુવતીઓ નિ:શુલ્ક બેઝીક, એડવાન્સ અને કોચિંગ માઉન્ટેનીયરીગ કોર્ષમાં જોડાઈ શકશે
કોર્ષમાં જોડાવા માંગતા યુવક- યુવતીઓ https://commi-synca.gujarat.gov.in/ વેબસાઈટ પર આગામી તા.૨૫મી માર્ચ સુધી અરજી કરી શકશે
રાજ્ય સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના કમિશનરશ્રીના હસ્તકની માઉન્ટ આબુ ખાતે આવેલી સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા ખાતે આગામી તા. ૦૧-૦૫-૨૦૨૪થી નિ:શુલ્ક એડવેન્ચર, એડવાન્સ અને કોચિંગ રોક ક્લાઈમ્બીંગ કોર્ષનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાતના યુવાનો માટે સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા ખાતે નિ:શુલ્ક એડવેન્ચર કોર્ષ, એડવાન્સ રોક ક્લાઈમ્બીંગ કોર્ષ અને કોચિંગ રોક ક્લાઈમ્બીંગ કોર્ષમાં ભાગ લેવા ઇચ્છુક તાલીમાર્થીઓની પસંદગી કરવામાં આવનાર છે. જેમાં એડવેન્ચર કોર્ષ કે જેની વય મર્યાદા ૮ થી ૧૩ વર્ષ છે તેનો સમયગાળો ૧૦ મે ૨૦૨૪ થી ૧૬ મે ૨૦૨૪ છે. આ ઉપરાંત એડવાન્સ રોક ક્લાઈમ્બીંગ કોર્ષ માટે સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ સંસ્થા તથા પેટા કેન્દ્રો ખાતે બેઝિક ખડક ચઢાણ કોર્ષ કરેલો હોવો જરૂરી છે.
આ કોર્ષ માટે વયમર્યાદા ૧૫ થી ૪૫ વર્ષ રાખવામાં આવી છે, જેનો સમયગાળો ૧૮ મે ૨૦૨૪થી ૦૧ જુન ૨૦૨૪ રહેશે. આ સિવાય કોચિંગ રોક ક્લાઈમ્બીંગ કોર્ષ માટે સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ સંસ્થા ખાતે એડવાન્સ કોર્ષ પુર્ણ કરેલ હોવો જોઈએ. આ કોર્ષ માટે વયમર્યાદા ૧૮ થી ૪૫ વર્ષ રાખવામાં આવી છે. જેનો સમયગાળો ૦૧ મે ૨૦૨૪ થી ૩૦ મે ૨૦૨૪ રહેશે. તમામ કોર્ષ માટેની અરજી કરવાની છેલ્લી તા. ૨૫મી માર્ચ ૨૦૨૪ છે. તેમ યાદીમાં જણાવાયુ છે.
આ શિબિરમાં જોડાવા માંગતા ગુજરાતના વતનીએ ગુજરાતી/અંગ્રેજી અરજીનો નિયત નમૂનો વેબસાઈટ http://commi-synca.gujarat.gov.in પરથી મેળવી લેવાનો રહેશે. જેમાં ગુજરાતના વતની હોવાનો આધાર/દાખલો, શારિરીક યોગ્યતાનું તબીબી પ્રમાણપત્ર, જન્મ તારીખનો પુરાવો, અકસ્માત/ઈજા વગેરે જોખમ અંગે વાલીનું સંમતિપત્ર તથા પર્વતારોહણ તાલીમ કોર્ષમાં ભાગ લીધો હોય તો તે અંગેના પ્રમાણપત્રની નકલ અવશ્ય જોડવાની રહેશે.
તાલીમાર્થી જે કોર્ષમાં જોડાવા માગતા હોય તે કોર્ષનું નામ અરજીના મથાળે સ્પષ્ટ જણાવવું, અધુરી વિગત વાળી અરજીઓ તથા નિયત સમય મર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહિ. ઉમેદવારોએ સંપૂર્ણ વિગતો સહિતની અરજીઓ આચાર્યશ્રી, સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, ગૌમુખ રોડ, માઉન્ટ આબુ. પીન-૩૦૭૫૦૧ ખાતે મોકલી આપવાની રહેશે.
વધુમાં પસંદગી પામનાર ઉમેદવારોના ભોજન/ નિવાસ અને તાલીમની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા જે તે સ્થળે વિના મુલ્યે કરવામાં આવશે. જ્યારે તાલીમાર્થીઓને વતનથી તાલીમના સ્થળે આવવા-જવાનું સામાન્ય એસ.ટી. બસ/રેલ્વે સેકન્ડ ક્લાસ પ્રવાસ ભાડુ મળવા પાત્ર થશે. પસંદગી પામનાર તાલીમાર્થીને જરૂરી માહિતી અને સૂચનાઓ તાલીમી સંસ્થા દ્વારા ઈ-મેઇલના માધ્યમથી જણાવવામાં આવશે તેમ, યાદીમાં જણાવાયું છે.