પકડાયેલા ઢોરોને ગરમીથી બચાવવા ORS આપવામાં આવી રહ્યુ છે
અમદાવાદીઓ ૪ર ડીગ્રીમાં શેકાયા -મનપા દ્વારા પકડવામાં આવેલ પશુઓને ઓઆરએસ આપવામાં આવી રહયું છે
અમદાવાદ, અમદાવાદ શહેરમાં ગરમીનો પારો સતત વધી રહયો છે. મ્યુનિ. કોર્પો. દ્વારા ૧૭ અને ૧૮ એપ્રિલ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા હતા આ બંને દિવસે ગરમીનો પારો ૪૧ ડીગ્રી સુધી પહોંચવાની શક્યતા દર્શાવી હતી
પરંતુ ૧૭ એપ્રિલે સુર્ય દેવતાએ હવામાન વિભાગને ખોટા સાબિત કર્યાં છે અને અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન ૪ર ડીગ્રી સુધી પહોંચ્યું છે. મ્યુનિ. ઢોર ત્રાસ અંકુશ વિભાગ દ્વારા પકડવામાં આવેલ ગાયોને ગરમીથી બચાવવા માટે ઓઆરએસ અને વિટામીન આપવામાં આવી રહયા છે.
સ્માર્ટ સીટી અમદાવાદમાં બુધવારે તાપમાનના પારાએ ચાલુ વર્ષના તમામ રેકોર્ડ તોડયા છે તથા ૪ર ડીગ્રી તાપમાન નોંધાયું છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ૧૭ અને ૧૮ એપ્રિલે ૪૧ ડીગ્રી ગરમીની આગાહી કરવામાં આવી હતી પરંતુ બુધવારની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ૧૯મી એપ્રિલે પણ તાપમાનનો પારો ૪૦ ડીગ્રી સુધી પહોંચે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે.
આગામી પાંચ દિવસો દરમિયાન મહત્તમ તાપમાન ૪ર ડીગ્રી અને લઘુત્તમ તાપમાન ર૭ ડીગ્રી સુધી જાય તેવી શક્યતા છે. કાળઝાળ ગરમીને ધ્યાનમાં લઈ તંત્ર દ્વારા એએમટીએસ અને બીઆરટીએસના બસ સ્ટેન્ડ પર ઓઆરએસનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે આ ઉપરાંત અમદાવાદના તમામ અર્બન હેલ્થ સેન્ટરો પર ઓઆરએસના વિતરણ થઈ રહયા છે.
શહેરની સામાજીક સંસ્થાઓની મદદથી ૬૦૦ કરતા વધુ પાણીની પરબો શરૂ કરવામાં આવી છે તેમજ કોર્પોરેશન દ્વારા દરેક ઝોનમાં પાણીની મોબાઈલ પરબ પણ શરૂ કરવામાં આવી છે. શહેરના ર૬૩ બગીચા સવારે ૬ થી રાત્રિના ૧૧ વાગ્યા સુધી ખુલ્લા રાખવા આદેશ કરવામાં આવ્યા છે. ટ્રાફિક પોલીસને પણ પ૦ હજાર જેટલા ઓઆરએસ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે.
મ્યુનિ. કોર્પો.એ નાગરિકો માટે પણ ખાસ એસઓપી જાહેર કરી છે જે મુજબ નાગરિકોએ ગરમીથી બચવા માટે લીંબુ શરબત, છાશ, પાણી વગેરેનું સતત સેવન કરવું તાજા ફળો અને શાકભાજી ખાવા, લાંબો સમય તડકામાં ન રહેવું, નાના બાળકો, વૃધ્ધો અને સગર્ભા સ્ત્રીઓનું ધ્યાન રાખવું તેમજ આછા રંગના ઢીલા સુતરાઉ કપડા પહેરવા જેવી સુચનાઓ નાગરિકોને આપવામાં આવી છે.
મ્યુનિ. કોર્પો. દ્વારા પકડવામાં આવેલી ગાયોને હીટવેવથી બચાવવા માટે સતત પાણીનો છંટકાવ કરવામાં આવી રહયો છે આ ઉપરાંત કરૂણા મંદિરમાં ઓઆરએસ આપવામાં આવે છે તેમજ મીઠાના મીનરલ બ્લોક પણ ખવડાવવામાં આવી રહયા છે જેના કારણે પશુઓને કાળઝાળ ગરમીથી રક્ષણ મળી રહે છે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.