પહેલી નવેમ્બરથી મોબાઇલ પર OTP મેસેજ બંધ નહીં થાય
નવી દિલ્હી, ટ્રાઇએ ટેલિકોમ કંપનીઓને કોમર્શિયલ મેસેજ અંગે ટ્રેસેબિલિટીના નવા નિયમ લાગુ કરવાની મુદત એક મહિનો લંબાવી છે. આવા કોમર્શિયલ મેસેજમાં વન-ટાઇમ પાસવર્ડ (ઓટીપી) પણ સામેલ છે. ટેલિકોમ નિયમનકર્તાના નિર્ણયને પગલે નવેમ્બરથી કોઇના ઓટીપી મેસેજ બંધ નહીં થાય.
ટ્રાઇએ અગાઉ કોમર્શિયલ મેસેજ અંગે ટ્રેસેબિલિટીના નવા નિયમ લાગુ કરવા ૧ નવેમ્બરની સમયમર્યાદા નિર્ધારિત કરી હતી. હવે તે વધારી ૧ ડિસેમ્બર કરવામાં આવી છે. એરટેલ, વોડાફોન-આઇડિયા અને રિલાયન્સ જિયોએ ટ્રેસેબિલિટીના નિયમોનું પાલન નહીં કરનારના મેસેજ બ્લોક કરવાથી મુશ્કેલી ઊભી થવાની આશંકા વ્યક્ત કરી હતી.
ટેલિકોમ કંપનીઓએ જણાવ્યું હતું કે, ઘણી ટેલિમાર્કેટિંગ કંપનીઓ, બિઝનેસ અને બેન્કો હજુ નવા નિયમના અમલ માટે સંપૂર્ણ તૈયાર નથી.ટેલિકોમ કંપનીઓની આશંકાને પગલે ટ્રાઇએ નવા નિયમના અમલની પ્રક્રિયા ધીમી કરી છે. ૩૦ નવેમ્બર સુધી ટેલિકોમ ઓપરેટર્સ નિયમોનું પાલન નહીં કરનાર એન્ટિટીને રોજ ચેતવણી જારી કરશે.
નિયમના પાલનમાં નિષ્ફળ રહેનારી એન્ટિટીના મેસેજ પહેલી ડિસેમ્બરથી બ્લોક કરવામાં આવશે. ટ્રાઇએ ટેલિકોમ ઉદ્યોગને બીજી વખત એક્સ્ટેન્શન આપ્યું છે. અગાઉ યુઆરએલ સાથેના મેસેજનું વ્હાઇટલિસ્ટિંગ અને ઓટીટી લિંક સંબંધી મર્યાદા પહેલી ઓક્ટોબર સુધી લંબાવાઇ હતી.
સ્પેમ કોલ્સ અને મેસેજ પર અંકુશ મેળવવાના પ્રયાસોમાં એન્ટિટીનું બ્લેકલિસ્ટિંગ, મોબાઇલ જોડાણ રદ કરવા અને ટેલિકોમ માર્કેટિંગ કોલ્સના કડક મોનિટરિંગ સંબંધી બાબતો સામેલ છે.SS1MS