Western Times News

Gujarati News

ગુજરાતમાં IPS અધિકારીઓની મંજૂર થયેલી ૨૦૮ જગ્યાઓ પૈકી ૧૯૮ જગ્યાઓ ભરાયેલી છે: હર્ષ સંઘવી

File

 રાજ્યને ફાળવવામા આવેલા આઇ.પી.એસ. અધિકારીઓમાં ૩૪ મહિલા આઈ.પી.એસ. અધિકારીઓનો સમાવેશ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં મહિલાઓને વિશેષ જવાબદારી આપવામાં આવી રહી છે: પોલીસ ભરતી બોર્ડ, ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી, અમદાવાદ સાયબર ક્રાઈમ જેવી અનેક મહત્વની જગ્યાઓ પર મહિલા આઇપીએસ અધિકારી જવાબદારી નિભાવી રહ્યા છે

રાજ્યમાં આઇ.પી.એસ. અધિકારીઓના મંજૂર મહેકમ સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, તા.૩૧મી ડિસેમ્બર ૨૦૨૪ની સ્થિતિએ રાજ્યમાં આઇ.પી.એસ. અધિકારીઓની કુલ ૨૦૮ જગ્યાઓ મંજૂર થયેલી છે. તે પૈકી ૧૯૮ જગ્યાઓ ભરાયેલી છે અને ૧૦ જગ્યાઓની ઘટ છે. તેમાં પણ ગત મહિને એક જગ્યા ભરાતા હવે ૯ જગ્યાઓની ઘટ છે. બાકી રહેલી જગ્યાઓ પણ ઝડપથી ભરી દેવામાં આવશે.

રાજ્યના કેટલા આઇ.પી.એસ. અધિકારીઓ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર છે તે સંદર્ભે પૂછાયેલા પૂરક પ્રશ્નનો ઉત્તર આપતા મંત્રીશ્રીએ ઉમેર્યું કે, કેન્દ્રીય નીતિ મુજબ રાજ્યમાંથી ૪૫ આઇ.પી.એસ. અધિકારીઓ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર હોય શકે તેની સામે ગુજરાત રાજ્યમાંથી માત્ર ૨૪ જ આઇ.પી.એસ. અધિકારીઓ કેન્દ્રમાં ડેપ્યુટેશન ઉપર છે.

રાજ્યમાં મહિલા આઇ.પી.એસ. અધિકારીઓની સંખ્યા અને તેમને આપવામાં આવતી જવાબદારીમાં ભેદભાવના આક્ષેપ અંગે પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી શ્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, રાજ્યમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં મહિલાઓને વિશેષ જવાબદારી આપવામાં આવી રહી છે. ગુજરાતમાં પોલીસ ભરતીની સમગ્ર પ્રક્રિયા કરવાની મહત્વની કામગીરી એક મહિલા આઇ.પી.એસ. અધિકારી ડૉ.નીરજા ગોટરું સાંભળી રહ્યા છે. ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીની મહત્વની જવાબદારી એક મહિલા આઇ.પી.એસ. અધિકારી શ્રી નિપુણા તોરવણે સાંભળી રહ્યા છે. તે ઉપરાંત ૩ હજાર કિમી દૂરથી ગુજરાતના સીસીટીવી હેક કરનાર લોકોને ગણતરીના કલાકમાં શોધી લેનાર પણ અમદાવાદ સાયબર ક્રાઇમના મહિલા આઇપીએસ અધિકારી ડૉ.લવીના સિન્હા છે. તે ઉપરાંત જિલ્લાઓમાં ડી.એસ.પી સહિતની મહત્વની જગ્યાઓ પર મહિલા આઇપીએસ અધિકારી જવાબદારી નિભાવી રહ્યા છે. ગુજરાત રાજ્યને ફાળવવામા આવેલા આઇ.પી.એસ. અધિકારીઓ પૈકી મહિલા આઈ.પી.એસ. અધિકારીઓની સંખ્યા ૩૪ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.