ભરૂચની 55 ટીબી મુકત પંચાયતમાંથી 38 ને બોન્ઝ અને 17 ને સિલ્વર અને ગાંધી પ્રતિમા આપી સન્માન કરાયું

-
ટીબી રોગ પર નિયંત્રણ:
-
રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ દ્વારા ટીબીની સારવાર સરળ બની.
-
હવે ટીબી રાજરોગ નહીં, મટી શકે તેવો રોગ.
-
2025 ની થીમ: “હવે આપણે ટીબીને ખતમ કરી શકીએ છીએ: સમર્પિત થાઓ, રોગનિવારક કરો, અને પરિણામો આપો.”
-
-
મફત નિદાન અને સારવાર:
-
સરકારી આરોગ્ય કેન્દ્રોમાં ટીબીની સારવાર અને દવા વિનામૂલ્યે ઉપલબ્ધ.
-
લોકોમાં જાગૃતિ લાવવા માટે વિવિધ કાર્યક્રમો યોજાય છે.
-
-
વિશ્વ ક્ષય દિવસ ઉજવણી:
-
ભરૂચમાં રૂંગ્ટા હાઈસ્કૂલ કોમ્યુનિટી હોલ ખાતે સમારોહ યોજાયો.
-
ભરૂચની રૂંગ્ટા હાઈસ્કૂલ ખાતે ટીબી મુકત પંચાયતના સરપંચો તથા નિક્ષય મિત્રોનો સન્માન સમારોહ યોજાયો
ભરૂચ જિલ્લાની કુલ ૫૫ ટીબી મુકત પંચાયત પૈકી ૩૮ ને બ્રોન્ઝ અને ૧૭ ને સિલ્વર ગાંધીજી પ્રતિમા તેમજ સર્ટીફીકેટ આપી સરપંચોને સન્માનિત કરાયાં
(પ્રતિનિધિ) ભરૂચ, ભૂતકાળમાં ટીબી રોગને રાજરોગ ગણવામાં આવતો હતો તેનું નિદાન અને સારવાર પણ ખુબ મુશ્કેલ હતી. પરંતુ રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન જેવા કાર્યક્રમના પરિણામે ટીબીને હરાવવો શક્ય બન્યો છે.
તમામ સરકારી આરોગ્ય કેન્દ્રો ખાતે ટીબીનું નિદાન અને સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ છે. ટી.બી.એ રાજરોગ કે મહારોગ નહીં પરંતુ મટી શકે તેવો રોગ છે.વર્ષ ૨૦૨૫ ક્ષય દિવસની થીમ હવે આપણે ટીબીને ખતમ કરી શકીએ છીએઃ સમર્પિત થાઓ, રોગનિવારક કરો, અને પરિણામો આપો છે.
એન.ટી.ઈ.પી પ્રોગ્રામ અંતર્ગત વિશ્વ ક્ષય દિવસની ઉજવણીના ભાગરૂપે ટીબી મુકત પંચાયતના સરપંચો તથા નિક્ષય મિત્રોના સન્માન સમારોહ રૂંગ્ટા હાઇસ્કૂલ,ભરૂચના કોમ્યુનીટી હોલમાં રાખવામાં આવેલ.આ વેળાએ ભરૂચ જિલ્લાની કુલ ૫૫ ટીબી મુકત પંચાયત પૈકી ૩૮ ને બોન્ઝ અને ૧૭ ને સિલ્વર ગાંધીજીની પ્રતિમા તેમજ સર્ટીફીકેટ આપી સરપંચોને સન્માનિત કરાયા હતા જયારે ટીબી પેશન્ટને ન્યુટીશનની કીટ આપતા નિક્ષય મિત્રોને ટ્રોફી તથા સર્ટીફીકેટ આપી સન્માનિત કરાયા હતા.
કાર્યક્રમમાં આરસીએચઓ ડૉ.હસમુખભાઈ પટેલએ ક્ષય રોગ શું છે તેની માહિતી આપી હતી. ક્ષય (ટીબી) રોગ એ માઈક્રોબેકટેરીયમ ટ્યુબરક્યુલોસીસ નામના અતિ સૂક્ષ્મ જીવાણું (બેકટેરીયા) થી થતો ચેપી રોગ છે. તેમણે ક્ષયરોગના લક્ષણો અને તેની સારવાર માટેના ઉપાયોની પણ વિગતવાર સમજૂતી આપી હતી.
સરકાર ટીબીના દર્દીઓને સારવાર પુરી પાડવાં આર્થિક સહાય પણ કરે છે ત્યારે સૌએ જાગૃત બની સામુહિક પ્રયત્નો થકી ટીબી મુક્ત ભારત બનાવવા પોતાની ભાગીદારી નોંધાવી જરૂરી છે. તેમ જણાવ્યું હતું.
જિલ્લા ક્ષય અધિકારી ડૉ.વાય.એમ.માસ્તરે ક્ષયના રોગ વિશે જણાવ્યું હતું કે ક્ષયનો રોગ હવે મટી પણ શકે છે અને અટકી પણ શકે છે.ક્ષયની સારવાર કરવામાં ફક્ત ડોક્ટર જ નહીં પરંતુ દર્દીનો પરિવાર, તેનો સમાજ અને તેની સાથે કામ કરતા સહ કર્મચારીઓએ પણ દર્દીને પ્રોત્સાહન આપી મહત્વપૂર્ણ ભાગ ભજવવો જોઈએ.
તેમણે ઉમેર્યું હતું કે દરેક વખતે ગ્રામસભામાં ક્ષયરોગની બીમારી ઉપર ચર્ચા થાય અને તેઓ નિયમિત રીતે દવા તથા પોષણ મેળવે છે કે નહિ તેની માહિતી મેળવી તેમને આર્થિક તેમજ માનસિક રીતે પ્રોત્સાહન આપવામાં આવે.
રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન જેવા કાર્યક્રમના પરિણામે ટીબીને હરાવવો શક્ય બન્યો છે.તમામ સરકારી આરોગ્ય કેન્દ્રો ખાતે ટીબીનું નિદાન અને સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ છે.ટી.બી એ રાજરોગ કે મહારોગ નહીં પરંતુ મટી શકે તેવો રોગ છે તેમ જણાવ્યું હતું.વધુમાં વધુ નિક્ષય મિત્ર તરીકે આ મહાયજ્ઞમાં સહભાગી બને તેવી અપેક્ષા સેવી હતી.આ પ્રસંગે ડૉ.ભુવનેશ્વરીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
આ વેળાએ ઉપસ્થિત સૌએ ‘ટીબી હારશે, દેશ જીતશે, જન જન કો જગાના હૈ, ટીબી કો ભગાના હૈ’ ની શપથ લીધી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ .જે.એસ.દુલેરા, વિવિધ પેશન્ટને ન્યુટીશનની કીટ આપતા નિક્ષય મિત્ર ડેફન ફાઈન કેમિકલ્સ, પેટ્રોનેટ એલએનજી લિ.,દિપક ફાઉન્ડેશન,સેન્ટયુરી એન્કા લિ સેવાયજ્ઞ સમિતિ, ભરૂચ તેમજ તાલુકા હેલ્થ ઓફીસર, સુપરવાઈઝર,આરોગ્ય કર્મચારીઓ, સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.