બોગસ આધાર કાર્ડના આધારે વિદેશ મોકલવાના રેકેટનો પર્દાફાશ
(પ્રતિનિધી)ગોધરા, કાલોલ તાલુકાના વેજલપુર ખાતે ખોટા નામે આધારકાર્ડ બનાવી તેના આધારે પાસપોર્ટ કઢાવી વિદેશ યાત્રાઓ કરનાર આરોપીને પંચમહાલ એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે પાસપોર્ટ સહિતના દસ્તાવેજાે જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આર.વી.અસારી નાયબ પોલીસ મહાનિરીક્ષક પંચમહાલ ગોધરા રેન્જ , હિમાંશુ સોલંકી પોલીસ અધિક્ષક પંચમહાલ ગોધરા નાઓએ એ.ટી.એસ ચાર્ટર મુજબની કામગીરી કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલા જે આઘારે આર.એ પટેલ પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી. શાખા પંચમહાલ ગોધરા નાઓએ ખાનગી રાહે ગુપ્ત હકીકત મેળવેલી કે,
વેજલપુર ખાતે ઉસ્માનીયા ટુર બાતમી ઃ એન્ડ ટ્રાવેલ્સ ચલાવનાર મુસ્તાક હુસેનભાઈ પાડવા રહે.મોટા મહોલ્લા વેજલપુર તા.કાલોલ જિ.પંચમહાલનાએ પાસપોર્ટ કઢાવવા સારૂ મુસ્તકીમ હુસેન પાડવાના નામ અને ખોટા સરનામાથી આધારકાર્ડ બનાવી અને તે આધારકાર્ડ ઉપરથી પાસપોર્ટ બનાવી વિદેશ યાત્રાઓ કરેલી છે.
ઉપરોક્ત ગુપ્ત હકીકત આધારે રીઝીયોનલ પાસપોર્ટ ઓફીસ અમદાવાદ ખાતેથી આ બાબતેની ખાત્રી તપાસ કરાવવામા આવેલી અને ત્યારબાદ બે પંચોના માણસો સાથે વેજલપુર ખાતે ઉસ્માનીયા ટુર એન્ડ ટ્રાવેલ્સની ઓફીસ ખાતે મુસ્તાક હુસેનભાઇ પાડવાની તપાસ કરતા ઓફીસ પોતે હાજર મળી આવેલા
અને ખોટા નામે પાસપોર્ટ કઢાવવા બાબતે તેની પૂછપરછ કરતા તેણે જણાવેલુ કે પોતાના ઉપર વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે ત્રણ ગુન્હાઓ દાખલ થયેલા હોય જેથી પાસપોર્ટ નીકળતો ન હોય જેથી તેણે મુસ્તકીમ હુસેન પાડવાના નામ અને સરનામાંથી ખોટુ આધારકાર્ડ કઢાવી અને તે આધારકાર્ડ ઉપરથી પાસપોર્ટ કઢાવ્યો હતો.
જેથી તેના પાસેથી બે જુદા-જુદા નામના આધારકાર્ડ અને એક પાસપોર્ટ કબ્જે કરી તેની વિરુધ્ધ વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી.