અત્યંત દુષીત અને દુર્ગધ મારતું ફીણવાળું પાણી વિતરણ કરાતાં સ્થાનીકોમાં રોષ

પ્રતિકાત્મક
ધોરાજીમાં જમનાવડ રોડ પર પાલિકા દ્વારા દૂષિત પાણી વિતરણ કરાતા રોષ
ધોરાજી, ધોરાજી નગરપાલિકાના અધિકારીઓની ઘોર બેદરકારીને કારણે ધોરાજીના રહેવાસીઓ હેરાન છે. કયારેક રખડતા ઢોરનો આતંક તો કયારેક ધોરાજીના ઉબડખાબડ રસ્તાઓથી જનતા પરેશાન તો કયારેક ધોરાજીના લોકોને જે પીવાનું પાણી નગરપાલિકા દ્વારા વિતરણ કરવામાં આવે છે તે પાણી દુષીત અને ગંદુ વિતરણ કરી દેવાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહયો છે.
ધોરાજીના જમનાવડ રોડ વોર્ડ નંબર ૮માં આવેલ શિવશકિત સોસાયટી વિસ્તારની કે જયાં નગરપાલિકાના અધિકારીઓની ઘોર બેદરકારીને કારણે અત્યંત દુષીત અને દુર્ગધ મારતું ફીણવાળું પાણી વિતરણ કરી દેવામાં આવતા મહીલાઓમાં અને સ્થાનીકોમાં ભારે રોષ જોવા મળી રહયો છે.
અહીની મહીલાઓનું કહેવું છે કે, ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફીસરને આ બાબતે અનેકવાર રજુઆતો કરી છે. પરંતુ નગરપાલિકાના અધિકારીઓ આ બાબતે કોઈપણ પ્રકારના નકકર પગલાં લેવામાં નિષ્ફળ નીવડયા છે અને અધિકારીઓની ઘોર બેદરકારીને કારણે શિવ શકિત સોસાયટી વિસ્તારના લોકો દુષીત અને ગંદુ પાણી પીવા માટે મજબૂર બન્યા છે.
મહીલાઓનું કહેવું છે કે પીવાનાં પાણીની પાઈપલાઈનની અંદર ભુગર્ભ ગટરનાં ગંદા પાણી ભળી જતાં હોવાને કારણે પીવાના પાણીનો પાઈપલાઈનમાં જે પાણી આવે છે તે ગટરનું ગંદુ અને દુષીત પાણી આવે છે. આ બાબતે નગરપાલિકા લેખીત અને મૌખીક રજુઆતો કરી પરંતુ કોઈ પણ જાતની કામગીરી કરવામાં ન આવતા લોકોએ ફરજીયાત પણે દુષીત પાણી પીવું પડે છે.
આ વિસ્તારમાં દુષીત પાણી વિતરણ થવાના કારણે ભારે રોષ જોવા મળી રહયો છે. દુર્ગધ મારતા પાણી વિતરણથી ત્રસ્ત મહીલાઓએ આ પ્રશ્નનું નિરાકરણ ન આવે તો આવનાર દિવસોની અંદર માં લોકસભા અને નગરપાલિકાની ચુંટણીના બહીષ્કાર માટેની પણ ચેતવણી ઉચ્ચારી છે.