રેલવે ફાટક કાયમી બંધ કરવાના મામલે રહીશોમાં આક્રોશ

પ્રતિકાત્મક
પાટણ, પાટણ શહેરના ખાલકસા પીર રોડ પર વર્ષોથી કાર્યરત રેલવે ફાટકને તંત્ર દ્વારા કાયમી માટે બંધ કરવાની મૌખિક સૂચના આ વિસ્તારના સ્થાનિક રહીશોને આપવામાં આવતા આ વિસ્તારના રહીશો મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા છે.
આ વિસ્તારના રહીશોની અવર-જવર માટેનો આ ફાટક જ એક માત્ર રસ્તો હોય જાે આ ફાટક કાયમી માટે બંધ થઈ જાય તો વિસ્તારના લોકોને ભારે હાલાકી પડી શકે તેમ હોય જેને લઈ ફાટક બંધ કરવાના આ પ્રકારના તંત્રના નિર્ણય સામે રહીશોએ અગાઉ અનેક વખત રજૂઆત કરી રહીશોએ ફાટક નજીક સુત્રોચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો.
ત્યારે રવિવારે આ ફાટક કાયમી બંધ કરવાનો મામલો પુનઃ ગરમાતા વિસ્તારના નાના-મોટા સૌ રહીશોએ વિવિધ બેનરો સાથે રેલવે ફાટકને કાયમી બંધ કરવાના નિર્ણયને સખ્ત શબ્દોમાં વખોડી તંત્ર સામે સુત્રોચ્ચાર કરી ફાટક બંધ નહિ કરવાની માંગ કરી હતી.
રહીશો દ્વારા ફાટક મામલે ગરમાયેલા મુદ્દે રહીશોને શાંત કરવા તંત્ર દ્વારા સૂર્યાનગર તરફથી રહીશો માટે વૈકલ્પિક રસ્તો શરૂ કરવાની વાત કરવામાં આવી હતી પરંતુ વિસ્તારના રહીશો દ્વારા રેલવેની ૪ર સી.નં.ની આ ફાટકની જગ્યા પર અંડરપાસ બનાવવાની માંગ કરી તંત્ર વિરુદ્ધ નારા લગાવતા વાતાવરણ ગરમાયુ હતું
અને જયાં માનવ વસાહત છે ત્યાં અંડરપાસ આપોના બેનરો સાથે સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. રેલ રોકો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી રહિશોએ ઉચ્ચારી હતી.