ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૬૦ ટકાથી વધુ; સૌથી વધુ કચ્છમાં ૮૪ ટકા
રાજ્યમાં ૨૪ કલાક દરમિયાન ઉત્તર ગુજરાતમાં મેઘમહેર: પાટણ જિલ્લાના પાટણ તાલુકામાં સૌથી વધુ પાંચ ઈંચ અને સરસ્વતી તાલુકામાં ચાર ઇંચ વરસાદ વરસ્યો
રાજ્યના ઉત્તર ગુજરાતમાં ગઈકાલે મેઘમહેર જોવા મળી હતી.જેમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન પાટણ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના વિવિધ તાલુકાઓમાં નોંધનીય વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.જેમાં પાટણ જિલ્લાના પાટણ તાલુકામાં પાંચ ઇંચ અને સરસ્વતી તાલુકામાં ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.જયારે ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં ચાર ઇંચ જ્યારે જોટાણા, ખેરાલુ, મહેસાણા મળીને કુલ ત્રણ તાલુકામાં ત્રણ –ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત બેચરાજી, રાધનપુર, સાંતલપુર, લખાણી, માંડવી-કચ્છ, ચાણસ્મા, અંજાર, સિદ્ધપુર, વડનગર, દેત્રોજ- રામપુરા, ઉમરપાડા, હારીજ, ખંભાળિયા, ભચાઉ અને સતલાસણા મળીને કુલ ૧૫ તાલુકામાં બે – બે ઇંચ વરસાદ વરસ્યોછે.આ ઉપરાંત રાજ્યના ૨૩ જેટલા તાલુકાઓમાં એક ઇંચ થી વધુ જ્યારે સમગ્ર રાજ્યના કુલ ૧૬૯ તાલુકામાં ગત ૨૪ કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ નોંધાયાના અહેવાલો છે.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૩૧મી જુલાઇ, ૨૦૨૪ના રોજ સવારે ૬ કલાકની સ્થિતિએ રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૬૦ ટકાથી વધુ નોંધાયો છે. જ્યારે, કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ ૮૪ ટકાથી વધુ અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં ૭૫ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં ૬૯ ટકાથી વધુ, ઉત્તર ગુજરાત માં ૪૩ ટકા તેમજ પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૪૨ ટકાથી વધુ મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.