Western Times News

Gujarati News

કચ્છ જિલ્લાના ૬૫૦ અનુસૂચિત જાતિના લાભાર્થીઓને રૂ. ૭૮ લાખથી વધુની સહાય અપાઈ

કુંવરબાઇનું મામેરું યોજના હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતના ૪૩,૦૦૦થી વધુ લાભાર્થીઓને રૂ. ૪૯.૫૬ કરોડથી વધુની સહાય ચૂકવાઈ

વર્ષ ૨૦૨૩-૨૪માં ૧૧,૩૦૦થી વધુ લાભાર્થીઓને કુલ રૂ. ૧૩.૫૧ કરોડથી વધુની સહાય ચૂકવાઈ: સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર

વિધાનસભા ગૃહ ખાતે સભ્યશ્રી દ્વારા કુંવરભાઈનું મામેરું યોજના અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સામાજિક ન્યાય અને અધિકારિકતા રાજ્ય મંત્રી શ્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું હતું કે, કુંવરબાઇનું મામેરું યોજનાનો લાભ રાજ્યની દરેક જરૂરિયાતમંદ મહિલાઓને સત્વરે અને સરળતાથી પહોંચાડવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. અગાઉ આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીઓને ૧૩ જેટલા પુરાવા રજૂ કરવા પડતાં હતાં, જેમાં સુધારો કરી હવે માત્ર જૂજ પુરાવા જ રજૂ કરવાના હોય છે.

તેમણે વિગતવાર માહિતી આપતા ઉમેર્યું હતું કે, ગુજરાતમાં કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં ૪૩,૦૦૦થી વધુ લાભાર્થીઓને રૂ. ૪૯.૫૬ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. માત્ર વર્ષ ૨૦૨૩-૨૪માં જ ૧૧,૩૦૦થી વધુ લાભાર્થીઓને કુલ રૂ. ૧૩.૫૧ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી હતી. આ ઉપરાંત કચ્છ જિલ્લામાં ગત વર્ષે અનુસૂચિત જાતિના ૬૫૦ લાભાર્થીઓને રૂ. ૭૮ લાખથી વધુની સહાય આપવામાં આવી હતી, તેમ તેમણે ઉમેર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારોની દિકરીઓના કલ્યાણ માટે અને આર્થિક રીતે મદદરૂપ થવાના ઉદ્દેશ સાથે “કુંવરબાઈનું મામેરું યોજના” ઘણા સમયથી કાર્યરત છે. કુંવરબાઇનું મામેરું યોજનામાં લગ્ન કરેલી દીકરીઓને DBT દ્વારા ૧૨ હજાર રૂપિયા સીધા તેમના બેંક ખાતામાં સહાય ચૂકવાય છે. આ ઉપરાંત પુનઃ લગ્નના કિસ્સામાં પણ આ યોજનાનો લાભ આપવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.