Western Times News

Gujarati News

વધુ ઉંમર ગન લાઇસન્સ રીન્યુ ન કરવાનું બહાનું ન હોઈ શકે: હાઈકોર્ટ

અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટે એક વૃદ્ધનું ગન લાઇસન્સ રીન્યુ ન કરવા માટેના સરકારના ર્નિણયને એ આધારે રદ કરી દીધો કે, અરજદાર વૃદ્ધ છે અને નિવૃત્ત નાગરિકનું જીવન જીવી રહ્યા છે, સાથે તેમણે ૧૯૮૨થી ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કર્યું નથી.

જિલ્લા મેજિસ્ટ્રેટ અને ગૃહ વિભાગના આદેશોને નકારી કાઢતા ન્યાયમૂર્તિ વૈભવી નાણાવટીએ સરકારના ર્નિણય પર પુનર્વિચાર કરવાનો નિર્દેશ આપ્યો છે અને સ્પષ્ટ કર્યું છે કે ગન લાઇસન્સ ધારકની વધુ ઉંમર અને આવક એ લાઇસન્સ રીન્યુ ન કરવાના માપદંડ હોઈ શકે નહીં. જેમાં ખાસ કરીને જ્યારે ત્યારે અરજદાર ૫૭ વર્ષથી ગન લાઇસન્સ ધરાવે છે.

સમગ્ર કેસની વાત કરીએ તો જુનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે રહેતા અમહેમદદ્દીન શેખ પાસે ૨૨ વર્ષની ઉંમરથી હથિયારનું લાઇસન્સ હતું. અગાઉ તેમની પાસે બહુવિધ હથિયારો હતા, પરંતુ તાજેતરમાં તેમની પાસે એનપી બોર રાઈફલ રાખવાનું લાઇસન્સ હતું, જે ડિસેમ્બર ૨૦૧૯ એક્સપાયર થઈ ગયું.

જૂનાગઢ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તેના રીન્યુઅલ માટેની રિકવેસ્ટને એમ કહીને નકારી કાઢવામાં આવી હતી કે શેખ સીનિયર સિટિઝન તરીકે જીવન પસાર કરી રહ્યા છે અને રિટાયર્ડ વ્યક્તિને જીવનું કોઈ જાેખમ હોઈ શકે નહીં, કારણ કે તેઓ કોઈપણ વ્યવસાય સાથે સંકળાયેલા નથી. ગન લાઇસન્સ રીન્યુ કરવા માટે અહેમદદ્દીન શેખે ગૃહ વિભાગ સમક્ષ અપીલ કરી હતી.

ત્યારે ગૃહ વિભાગ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે, અહેમદદ્દીન ૮૦ વર્ષથી વધુ ઉંમરના છે અને એકલવાયું જીવન જીવતા હોવાથી તેમને હથિયારની જરૂર નથી. સેક્રેટરીએ એમ પણ કહ્યું હતું કે શેખે ૧૯૮૨થી ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કર્યું નથી તેથી તેમની આવક સામાન્ય લાગે છે.

તદુપરાંત ગુજરાત રાજ્યમાં પ્રવર્તતી કાયદો અને વ્યવસ્થાની શાંતિપૂર્ણ પરિસ્થિતિને જાેતા શેખને કોઈ ભય હોય તેમ લાગતું નથી. તેમની પાસે માત્ર સ્ટેટસ સિમ્બોલ તરીકે ગન લાઇસન્સ ન હોઈ શકે, એમ ગૃહ વિભાગે જણાવ્યું હતું. ગૃહ વિભાગે લાઇસન્સ રીન્યુઅલ ન કરતા આખરે શેખે ગુજરાત હાઈકોર્ટનો દરવાજાે ખખડાવ્યો હતો. દલીલો બાદ હાઈકોર્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે, સરકાર આ આધાર પર લાઇસન્સ રીન્યુઅલ કરવાની ના ન પાડવી જાેઈએ કે શેખ વૃદ્ધ છે અને સીનિયર સિટીઝન તરીકે જીવન જીવે છે.

હકીકત એ છે કે, શેખે ૧૯૮૨થી ઈન્કમટેક્સ રિટર્ન ભર્યું નથી તેથ તે હથિયારનું લાઇસન્સ રીન્યુઅલ ન કરવાનું કારણ હોઈ શકે નહીં તેવું કહેતા કોર્ટે જુનાગઢ જિલ્લા મેજિસ્ટ્રેટને શેખની વિનંતી પર નવેસરથી વિચાર કરવાનો નિર્દેશ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, સ્વરક્ષણને હથિયારનું લાઇસન્સ મેળવવા માટેના સૌથી મોટા કારણ તરીકે જાેવામાં આવે છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર અરજદારે નિર્ધારિત ફોર્મની સાથે, જીવ પર જાેખમ હોય અને પોલીસ ફરિયાદ દાખલ કરી હોય તો તેની નકલ, ત્રણ વર્ષના રિટર્નની નકલ, ઉંમરનો પુરાવો (સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ કે જન્મનો દાખલો કે સર્જનનો દાખલો), રહેઠાણ, ભાડાકરાર, રાશનકાર્ડની જેવા પુરાવાની નકલ મુખ્યત્વે આપવાની રહે છે. અરજદાર ખેડૂત હોય તો આઠ- ‘અ’ની નકલ અને અરજદાર વેપારી હોય તો પેઢીનામા કે વેપારની નોંધણીની નકલ આપવાની રહે છે. આર્મ લાઇસન્સ માટે સૌથી મહત્વની બાબત એ છે કે, અરજદારની ઉંમર ૨૧ વર્ષ કે તેથી વધુ હોવી જાેઈએ.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.