Western Times News

Gujarati News

રાણીપ અને મકતમપુરા વોર્ડમાં પાણીની નવી ઓવરહેડ ટાંકીઓ બનાવવામાં આવશે

પ્રતિકાત્મક

( પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરના વ્યાપ અને વસ્તીમાં વધારો થઈ રહ્યો છે જેના કારણે પાણી, ડ્રેનેજ, લાઈટ અને રોડ જેવી પ્રાથમિક સુવિધાઓની જરૂરિયાતમાં પણ વધારો થયો છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્‌વારા નવા વિસ્તારમાં ઝડપથી પ્રાથમિક સુવિધાના નવા કામ પૂર્ણ કરવામાં આવી રહ્યા છે જયારે હયાત માળખામાં ફેરફાર થઈ રહયા છે. જે અંતર્ગત મ્યુનિસિપલ કોર્પોરેશનના મકતમપુરા અને રાણીપ વોર્ડમાં પાણીની નવી ઓવર હેડ ટાંકી બનાવવામાં આવશે.

મ્યુનિસિપલ વોટર સપ્લાય કમિટી ચેરમેન દિલીપભાઈ બગરિયા ના જણાવ્યા મુજબ પશ્ચિમઝોનનાં રાણીપ વોર્ડમાં જુના રાણીપ વિસ્તારમાં રાણીપ બસ સ્ટેન્ડ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન ખાતે ૯.૦૦ એમ.એલ.ડી. ક્ષમતાની ભુગર્ભ ટાંકી છે જેમાંથી દરરોજ સવારે ૭.૩૦ વાગ્યા સુધીમાં આશરે ૫.૫ થી ૫.૯ મીલીયન લીટર પાણી જુના રાણીપ વિસ્તારમાં વિતરણ કરવામાં આવે છે.

જુના રાણીપ વિસ્તારમાં રાણીપ ગામતળ, બકરામંડી, મોહનયુલાની ચાલી વિગેરે જેવા સ્લમ વિસ્તાર જેવા ગામ વિસ્તાર છે. સદર વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનના છેવાડાના વિસ્તાર જેવા કે રાધા સ્વામી રોડ, પુનિત સોસાયટી, ઓઇલમીલના છાપરા વિગેરે જેવા વિસ્તારમાં પાણીના પ્રેશરની ફરીયાદ અવાર નવાર આવે છે.

જેથી આ વિસ્તારમાં છેવાડાના વિસ્તારમાં પાણીનું પ્રેશર જળવાઈ રહે તે માટે રાણીપ બસસ્ટેન્ડ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનમાં ઉપલબ્ધ પ્લોટમાં નવી ૨૦ લાખ લીટર ક્ષમતાની ઓવર હેડ ટાંકી બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે. જેના માટે રૂ. ૬.૨૪ કરોડ ખર્ચ થવાનો અંદાજ છે.

દક્ષિણ પશ્ચિમઝોનના મકતમપુરા વોર્ડમાં મુસ્કાન વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનમાં ૧૧.૮૦ મીલીયન લીટર ક્ષમતાની પંપહાઉસ સાથેની ભૂગર્ભ ટાંકી છે. આ ટાંકીમાં ૪ ચોરસ કીલોમીટર કમાન્ડ વિસ્તારમાં સવારે ૬ થી ૮ વાગ્યાના સમયગાળામાં દરરોજ ૧૧ થી ૧૧.૫૦ મીલીયન લીટર પાણી વિતરણ કરવામાં આવે છે.

મુસ્કાન વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનમાંથી વેજલપુર અને મકતમપુરા વોર્ડમાં પાણી વિતરણ કરવામાં આવે છે. આ વિસ્તાર ખૂબ જ ગીચ હોઇ છેવાડાના વિસ્તારમાં પાણીના પ્રેશરની ફરીયાદો ખૂબ જ આવે છે. જેથી સદર વિસ્તારમાં છેવાડાના વિસ્તારમાં પાણીનું પ્રેશર જળવાઈ રહે તે માટે મુસ્કાન વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન ખાતે ૨૫ લાખ લીટર ક્ષમતાની ઓવરહેડ ટાંકી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે રૂપિયા ૬.૭૭ કરોડ ખર્ચ થવાનો અંદાજ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.