જીરવી શકો તેટલી ગતિ રાખો એટલી સ્વસ્થતા સાથે ગતિ કરવી અઘરી છે
વ્યક્તિ એક સ્થળેથી બીજા સ્થળે કેટલો ઝડપથી પહોંચી જાય છે , પણ મનને ત્યાં પહોંચતા ઘણી વાર લાગતી હોય છે. મનનો ખળભળાટ સમય સાથે ધીરે ધીરે ગંભીર થઇ શાંત થાય છે.
આપણે જ્યાં પહોંચવું છે …. એ અંતર ચાહે કેટલુંયે હોય , શરીરનું કાર્ય ત્યાં પહેલાં પહોંચીને મનને આંતરિક રીતે તૈયાર કરવાનું હોય છે.વધુ પડતી નિરીક્ષણવૃતિ આપણને વધારે પડતાં બેચેન બનાવે છે.
મર્યાદામાં રહેલી ગતિ જ માણસ જીરવી શકે છે.સૂર્યનું એક કિરણ કેટલું ઝડપથી અજવાશ ફેલાવે છે. આવી ગતિ કોણ પામી શક્યું છે ? કારણકે જો આવી ગતિ એક મનુષ્ય પામવા જશે તો એની એક ભૂલ કે ગફલત એને ખુબ ભારે પડી શકે છે. બસ આટલો ભેદ છે, મનુષ્ય અને ઈશ્વર વચ્ચે .
ઈશ્વરના હસ્તાક્ષર વાળી કૃતિઓની ગતિની સરખામણી શક્ય નથી.વીજળીનો ચમકાર હોય કે પછી કિરણનો ઉજાશ …મનુષ્ય માટે પ્રકૃતિ હંમેશા વણઉકેલ્યું ઉખાણું બનીને રહી છે.
ગતિ શું પ્રગતિનો માપદંડ છે ?
જવાબ ભલે હા હોય …
સમય બચાવવાની કવાયત હોય …
માણસની ચંચળતા હોય ….
આશ્ચર્યચિહ્નથી ભરેલાં રસ્તાઓ હોય …
મારા મતે ગતિને મૂલ્ય બનાવતા પહેલાં અટકવું જોઈએ.ગતિ ભલે સમય બચાવતી હોય , માણસના વિચારોમાંથી હળવાશ નામનું તત્વ મને ક્રમશઃ જાણે બાષ્પીભવન થતું હોય એવું લાગે છે.સતત અંજપાભરી સ્થિતિ વ્યક્તિમાં એકાગ્રતાની કમી ઉભી કરે છે. એન્ઝાયટી નામની બીમારી અત્યારના યુવાઓમાં વધુમાં વધુ દેખા દેવા માંડી છે . આ એક ચિંતાનો વિષય છે. આ ગંભીર માનસિક પરિસ્થિતિને ઘટાડવા ધ્યાન અને યોગના શરણે જવાથી અચૂક ફાયદો થશે એવું હું માનું છું.
અમર્યાદ ગતિ માણસ પાસેથી નિખાલસતા છીનવે છે .ઝડપી ગતિ તેને ભલે ઉંચુ સ્થાન અપાવે ….એમાં ઉગી રહેલાં મનુષ્યત્વને ઉંચુ સ્થાન નથી અપાવી શકતી.માણસ ગતિને પકડી લે એટલે કે એચીવ કરી લે છે ત્યારે ,આવા અનોખાં અને ચેલેન્જિંગ આવિષ્કારો એને ઘણાં બધા ભયસ્થાનો પણ બતાવે છે.દિશા સાચી હોય , પૂરતુ અને યોગ્ય ઇંધણ હોય ,રસ્તો મખમલી હોય … પણ જો , એ રસ્તા ઉપર વાહન ચલાવનારો યોગ્ય ગતિ ન સાચવે તો એની દરેક સફરનું પરિણામ અનિશ્ચિત બની જાય છે. આવું જ આપણા જીવનમાં વારંવાર બનતું હોય છે.
આપણી પાસે પૂરતા સાધનો હોય ,નકશો પણ સાથે હોય ,કે સલાહકારો પાસે હોય …. પણ જયારે મનના વિચારોની ગતિ સમજવી અઘરી બનતી જાય ત્યારે , આપણને દરેક લક્ષ્ય સુધી પહોંચવામાં તકલીફ પડે છે ,અથવા તો આપણે યોગ્ય સમયે ત્યાં પહોંચી નથી સકતા.આવી પરિસ્થિતિને મનુષ્યે નજરઅંદાજ ક્યારેય ન કરવી જોઈએ.
વાહનમાં રહેલું ઇંધણ … એટલે કે આપણા અંતરમનનું મનોબળ.
આપણને એની સુશુપ્ત તાકાતનો અને એની શક્યતાનો અંદાજ નથી હોતો. વાસ્વિકતા એ છે કે , ગતિ જે આપે છે એનું નહીં એનું રોકાણ ક્યાં કરવામાં આવે છે એ વ્યક્તિએ વિચારવું જરૂરી છે .અનિયત્રિંત ગતિના ભયસ્થાનોને ધ્યાનમાં રાખીને કરાયેલાં કાર્યો જીવનને સાર્થક બનાવે છે.
આપણે સૌ જાણીયે છીએ , સમગ્ર બ્રહ્માંડ એક નિશ્ચિત ગતિમાં વિહરે છે. પૃથ્વી , સૂર્ય ચંદ્ર ….દરેક તારા કે ગ્રહો પોતાની એક ગતિની મર્યાદામાં રહીને પોતાનું સ્થાન શોભાવે છે.દરેકની સુનિશ્ચિત ગતિ અને એંની સાથે જોડાયેલી સકારાત્મકતા આપણને જીવન આપે છે એમ કહું તો જરાય અતિશયોક્તિ નથી.અવકાશયાન કે ચંદ્રયાન એની વધુ ગતિના લીધે ધાર્યા સ્થાન પર ન પહોંચી શક્યાના આપણી સામે ઘણા દાખલાઓ છે.
એ ભૂલ જયારે સુધારવામાં આવી ત્યારે એના સુખદ પરિણામો પણ આપણને મળ્યા છે. આવા અને અન્ય અકળ કારણોના લીધે આપણે શ્રીમતિ કલ્પના ચાવલા જેવી ખુબ મહત્વની અવકાશયાત્રી અને બીજા કેટલાંય મહત્વના મહાનુભાવોને પણ ગુમાવી દીધાં છે.
એક સર્વે મુજબ દેશની હોસ્પિટલોમાં જેટલાં લોકો મૃત્યુ પામે છે , એનાથી વધુ લોકો રોડ અક્સમાતમાં મૃત્યુ પામે છે .આ નક્કર વાસ્તવિકતાઓ આપણે સ્વીકારવી રહી.અમર્યાદ ગતિના કારણે વારંવાર આપણી સમક્ષ આવા ભયાનક અકસ્માતોના બનાવો બનતા રહે છે. અને લોકો એના ભોગ બનતા રહે છે.કેટલાંય પરિવારોએ પોતાનાં લાડલાઓ અને મોભીઓને ગુમાવ્યા છે. કેટલાંય નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.આ વાતને કોઈ નકારી નહીં શકે.
મારા મતે લોકોને એક સંયમિત ગતિમાં બંધાઈ રહેવું નથી ગમતું. તેઓને નિયત્રંણ વગરની જિંદગી વધુ રોમાંચકારી લાગતી હશે.થ્રિલ ભરેલાં દરેક કાર્ય વ્યક્તિને વધુને વધુ સાહસિક બનાવે છે પણ , સાથેસાથે એ એક વિચિત્ર આદત બનીને વ્યક્તિના ભાવજગતમાં પોતાનું સ્થાન જમાવવા લાગે છે .જે કાર્યના પરિણામમાં વધુ પડતું અનિશ્ચિતતાનું તત્વ ઉમેરાય ત્યારે વ્યક્તિની વૈચારિક શક્તિ ઘણીવાર ખોટા માર્ગે વ્યય થવાં લાગે છે.આ એક ચિંતાનો વિષય છે.
માત્ર મનુષ્યના વિચારોની ગતિની ચર્ચા નહીં પણ પ્રકૃતિના તત્વો એ ચાહે જળ હોય જે પવન એની ગતિ જયારે અનિયત્રિંત થાય છે ત્યારે જળ સુનામી બની ખતરનાક તેમજ વિનાશકારી
અસરો છોડી જાય છે. પવનની અનિયત્રિંત ગતિ પૃથ્વી પર ભયાવહ ચિત્રો તાદ્રશ્ય કરતા રહે છે. નદી અને સાગરના જળની ગતિ આર્થિક રીતે પણ આપણને ખુબ નુકશાન કરાવે છે.પ્રકૃતિના તત્વો પણ જયારે પોતાની ગતિ પરનો અંકુશ ખોઈ બેસે છે … ત્યારે માનવીએ એની કિંમત ચૂકવવી પડે છે.પારાવાર નુકશાન સાથે આવી પરિસ્થિતિનો સામનો કર્યે જ છૂટકો.
મારા મતે મોટા ભાગે દરેક દુર્ઘટના પાછળ અનિયત્રિંત ગતિનું કોષ્ટક જવાબદાર હોય છે.માણસની સ્વસ્થતા જીવનના દરેક તબક્કે જરૂરી છે.ઓછી ગતિ કેટલીક વાર આપણને બેચેન બનાવી દે ત્યારે ,એ મર્યાદિત ગતિના સારા પરિણામો પણ ધ્યાનમાં રાખવા જોઈએ.ઓછી કે ધીમે ચાલે ચાલતી આપણી ઝીંદગીની પણ એક મીઠાસ હોય છે.ખુશી સાથે જીવાતી દરેક ક્ષણ અમૂલ્ય છે.ધીરે ધીરે આગળ વધતી જીવનની સફર તમને સંતૃષ્ટિની ભેટ આપશે ત્યારે તમે એને દિલથી ધન્યવાદ કરશો.
દરેક મનુષ્ય પોતાની કાર્યશક્તિ ગતિમય રહે એવું ઈચ્છે છે . મારા મતે આ ગતિ વ્યક્તિની પોતાની આંતરિક સુઝબુઝ સાથે સંકળાયેલી હોય છે . કેટલીક વાર વ્યક્તિની ઈચ્છાઓનું સ્વરૂપ બદલાય ત્યારે માણસ જીવનની દોડમાં હરીફ બનીને સજ્જ થઈને ઉતરે છે .આવી હરીફાઈ જીવનમાંથી સુખ અને શાંતિની બાદબાકી કરી દે છે .મનની ગતિ સાચા રસ્તે ,કાર્યગતિ સાથે સામંજસ્ય કેળવીને વહે તો ,વ્યક્તિનું તન અને મન બન્ને સ્વસ્થ્ય રહેશે.
તનનું નીરોગીપણું જરૂરી છે , સાથોસાથ મનનું નિરોગી રહેવું પણ એટલું જ મહત્વનું છે. જીવનમાં આગળ વધવાની ગતિ જીરવી શકાય એટલી રાખવાથી ઘણાં બધા શારીરિક અને માનસિક રોગોથી પણ બચી શકાશે , મારું એવું માનવું છે.ગતિ મનની હોય કે વાહનની નિયત્રંણ જરૂરી છે.