Western Times News

Gujarati News

આમોદમાં પોલીસકર્મીના સ્વાંગમાં યુવાનનું અપહરણ કરનાર પાદરાનો યુવક ઝડપાયો

(પ્રતિનિધી) ભરૂચ, આમોદના દરબારગઢ ખાતે મોબાઈલ ચોરીના આરોપમાં પોલીસના સ્વાંગમાં એક યુવાનનું અપહરણ કરાયાની ફરીયાદ આમોદ પોલીસ મથકે નોંધાઈ હતી.જે અપહરણ કરનાર યુવાનને ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ભરૂચના જંબુસર બાયપાસથી ઝડપી પાડી આમોદ પોલીસને આપ્યો હતો.જેથી આમોદ પોલીસે ૧૪ દિવસના રિમાન્ડ મેળવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આમોદ શહેરના દરબારગઠ ખાતે રહેતાં ભીખીબેન રાવજી ડાભીનો પુત્ર ટીનો ડાભીનું ગત ૨૯ મી જૂનના રોજ રાત્રીના સમયે અપહરણ થયું હતું.રાત્રે સાડા અગિયાર વાગ્યે આછોદ ગામનો ઈમરાન ઈકબાલ પઠાણ તેમજ તેની સાથે બે શખ્સો ઈકો કારમાં તેમના ઘરે આવી એક શખ્સે પોતાનું નામ મહેશ પરમાર હોવાનું તેમજ તે વેડચ પોલીસ સ્ટેશનમાંથી આવ્યો હોવાનું જણાવ્યું હતું.તેણે ટીનાને ઉઠાડી તેણે મોબાઇલ ચોરી કરી હોવાનું પરીવારને જણાવી તેમણે ટીનાને બળજબરીથી કારમાં બેસાડી દીધો હતો.

જે પરત નહીં આવતાં ભીખીબેને વેડચ પોલીસ મથકે તપાસ કરતાં ત્યાં મહેશ પરમાર નામનો કોઈ પોલીસકર્મી કામ જ કરતો ન હોવાનું જણાયું હતું.આ સમગ્ર ઘટનાક્રમને લઈને તેમના પુત્ર ટીનાનું અપહરણ થયું હોવાનું લાગતાં તેમણે આખરે આમોદ પોલીસ મથકે ૧૩ મી જુલાઈના રોજ ફરિયાદ નોંધાવતાં પોલીસે અપહરણનો ગુનો નોંધી આગળની તપાસ હાથધરી હતી.

ત્યારે ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચે પોલીસના સ્વાંગમાં આવીને અપહરણ કરનાર મુખ્ય આરોપી મહેશ ભુપત પરમાર રહે.ભાથીજી ફળિયું તા.પાદરા જી.વડોદરાને ભરૂચની જંબુસર બાયપાસથી ઝડપી પાડ્યો હતો અને આમોદ પોલીસે તેની અટક કરી જંબુસર કોર્ટમાં રજૂ ૧૪ દિવસના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ટીના ડાભીનું અપહરણ થયાને આજે ૩૭ દિવસ થવા છતાં હજુ સુધી કોઈ પત્તો ના લાગતા પરિવાર ભારે ચિંતિત બન્યું છે ત્યારે પોલીસના સ્વાંગમાં આવીને અપહરણ કરનાર મુખ્ય આરોપી મહેશ પરમાર ઝડપાઈ જતાં પોલીસને કોઈ નક્કર કળી મળી શકે તેમ લાગી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આછોદ ગામનો અપહરણ કરનાર અન્ય એક આરોપી ઈમરાન ઈકબાલ પઠાણ હજુ પણ પોલીસ પકડથી દૂર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.