Western Times News

Gujarati News

પહેલગામમાં થયેલા આતંકી હુમલાના શંકાસ્પદોના સ્કેચ જાહેર કરાયા

#PahalgamTerrorAttack sketch આસિફ ફુજી, સુલેમાન શાહ અને અબુ તલ્હા

શ્રીનગર, તા. ૨૩ એપ્રિલ, ૨૦૨૫ – સુરક્ષા એજન્સીઓએ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પાછળના શંકાસ્પદ આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા છે. આ હુમલામાં ૨૬ પ્રવાસીઓના મોત થયા હતા.

સત્તાવાર સૂત્રો અનુસાર, ત્રણ આતંકવાદીઓની ઓળખ આસિફ ફુજી, સુલેમાન શાહ અને અબુ તલ્હા તરીકે કરવામાં આવી છે. આ આતંકવાદીઓને પકડવા માટે મોટાપાયે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “આ સ્કેચ આસપાસના વિસ્તારના સ્થાનિક લોકો અને સુરક્ષા કર્મચારીઓના નિવેદનોના આધારે તૈયાર કરવામાં આવ્યા છે. અમે લોકોને આ તસ્વીરો જોઈને કોઈ માહિતી હોય તો તુરંત અમને જાણ કરવા અપીલ કરી છે.”

પહેલગામ આતંકી હુમલો તાજેતરના વર્ષોમાં કાશ્મીર ખીણમાં થયેલો સૌથી મોટો આતંકવાદી હુમલો છે. આ હુમલાને કારણે સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે અને પર્યટન સ્થળો પર વિશેષ સતર્કતા રાખવામાં આવી રહી છે.

સુરક્ષા એજન્સીઓના પ્રવક્તાએ જણાવ્યું કે, “અમે હુમલાખોરોને શોધવા માટે દરેક શક્ય પગલાં લઈ રહ્યા છીએ. આ ત્રણેય આતંકવાદીઓને પકડવા માટે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરવામાં આવી છે અને સુરક્ષા દળોના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.”

આ હુમલા પછી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓની ટીમ કાશ્મીરમાં પહોંચી ગઈ છે અને સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી રહી છે.

લશ્કર-એ-તૈયબાની વિંગ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ એટલે કે TRF એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. આ દરમિયાન પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું કે આ હુમલામાં અમારો કોઈ હાથ નથી.

મંગળવારે બપોરે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 27 લોકો માર્યા ગયા હતા. 20થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હુમલો એવા સમયે થયો જ્યારે બૈસરન ખીણમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ હાજર હતા. મૃતકોમાં યુપી, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ અને ઓડિશાના પ્રવાસીઓનો સમાવેશ થાય છે. નેપાળ અને યુએઈના એક-એક પ્રવાસી અને બે સ્થાનિક લોકો પણ માર્યા ગયા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.