૧૨ લાખની ગાડી માટે ૯ નંબર મેળવવા અધધધ ૧૮.૪૫ લાખ ચુકવ્યાં
અમદાવાદ, લકી નંબર માટે લોકોનું ક્રેઝ અનેક વખત ચર્ચાનો વિષય બને છે, ત્યારે કચ્છના એક ભાઈએ પોતાની નવી ગાડીમાં પસંદગીનો નંબર મેળવવા રૂપિયાનો ઢગલો કરી નાખ્યો છે.
ભુજ આરટીઓ કચેરીમાં વહાણના રજીસ્ટ્રેશન માટે ખુલેલી નવી સિરીઝમાં એક વ્યક્તિએ ૯ નંબર માટે રૂ. ૧૮.૪૫ લાખની બોલી લગાડી હતી અને ફેન્સી નંબર મેળવ્યો હતો.
રસપ્રદ વાત તો એ છે કે, જે ગાડીના નંબર માટે રૂ. ૧૮.૪૫ લાખ ચૂકવાયા છે તે ગાડીની કિંમત જ માત્ર રૂ. ૧૨ લાખ છે. નવા વાહનની ખરીદી બાદ અનેક લોકો પોતાની પસંદગીના નંબર વાહનની નંબર પ્લેટ પર મુકાવવા આતુર હોય છે અને વાહનના રજીસ્ટ્રેશન સમયે ખાસ તે નંબરની માંગણી કરે છે.
રજીસ્ટ્રેશનની નવી સિરીઝ ખૂલે એટલે ખાસ તો ફેન્સી નંબર મેળવવા સૌ કોઈ પ્રયાસ કરતા હોય છે. ભુજ આરટીઓ કચેરીમાં પણ નવી સિરીઝ GJ ૧૨ FD ખુલતા લોકોએ ફેન્સી નંબર માટે પડાપડી કરી હતી. આ સિરીઝમાં ‘નવડો’ (૯) હોટફેવરિટ રહ્યો હતો. જેના માટે એક વ્યક્તિએ રૂ. ૧૮.૪૫ લાખની બોલી લગાડી હતી.
મળતી વિગતો મુજબ, આજે સોમવારે ભુજ આરટીઓમાં ખુલેલી GJ ૧૨ FD સીરીઝમાં ૯ નંબર મેળવવા માટે રામજી ચામારિયાએ રૂ. ૧૮.૪૫ લાખની બોલી લગાડી હતી.
આરટીઓના એક અધિકારી પાસેથી મળતી વિગતો મુજબ, આજે નવી સિરીઝ ખુલતા ઓનલાઇન હરાજીમાં ૯ નંબર માટે સૌથી ઊંચી બોલી લાગવાનું શરૂ થયું હતું. બે પાર્ટી દ્વારા ૯ નંબર માટે પોતાની બોલીમાં સતત વધારો કરવામાં આવી રહ્યો હતો અને સાંજે ૪ વાગ્યે હરાજી પૂર્ણ થઈ ત્યારે છેલ્લી બોલી રૂ. ૧૮.૪૫ લાખની લાગી હતી. પૂર્વ કચ્છથી આ ગાડી માટે બોલી લાગી હતી.
રૂ. ૧૮.૪૫ લાખ ખર્ચી ૯ નંબર મેળવ્યા તે હ્યુન્ડાઈ કંપનીની વેન્યુ ગાડીની ઓન-રોડ કિંમત જ રૂ. ૧૨ લાખ જેવી છે. આંતરિક સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, ૯ નંબર માટે સામે એક ‘મોટા માથા’નો પુત્ર હોતાં તેની હરીફાઈમાં બોલી રૂ. ૧૮.૪૫ લાખ સુધી પહોંચી હતી.
ભુજ આરટીઓમાં ખુલતી દરેક નવી સિરીઝમાં ૯ નંબર હંમેશા હોટફેવરિટ રહેતો હોય છે. ત્યારે આ નવી સિરીઝમાં પણ ૯ ઉપરાંત ૯૯૯ નંબર માટે પણ રૂ. ૧.૮૯ લાખની બોલી લાગી હતી તો ૯૯૯૯ માટે રૂ. ૧ લાખ ચૂકવાયા હતા.SS1MS