પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
ઈસ્લામાબાદ, પાકિસ્તાને અફઘાનિસ્તાન પર એરસ્ટ્રાઇક કર્યા બાદ બંને દેશો વચ્ચે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે. હાલની સ્થિતિ એવી છે કે, બંને દેશો વચ્ચે હવે યુદ્ધના ભણકારા શરુ થઈ ગયા છે. અફઘાનિસ્તાનની સત્તા પર કબજો જમાવનાર તાલિબાની સત્તાના ૧૫૦૦૦ લડવૈયાઓ પાકિસ્તાન તરફ આગળ વધી રહ્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે.
પાકિસ્તાને મંગળવારે અફઘાનિસ્તાનના પૂર્વ પક્તિકા પ્રાંત પર એરસ્ટ્રાઇક કરી હતી, જેમાં ૧૫ નાગરિકોના મોત થયા છે. આ ઘટનાની સૌથી મોટી વાત એ છે કે, પાકિસ્તાને અફઘાનિસ્તાનની સરહદમાં ઘૂસીને હુમલો કર્યો છે, જેના કારણે તાલિબાનીઓ ભડકે બળ્યા છે. આ હુમલા બાદ તાલિબાને બદલો લેવાની ધમકી આપી છે. આવી સ્થિતિમાં આપણે જાણીએ કે, જો પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો કોની જીત થઈ શકે છે અને કોણ સૌથી વધુ શક્તિશાળી છે?
બંને દેશની સેનાની તાકાતની વાત કરીએ તો પાકિસ્તાન સામે અફઘાનિસ્તાનની સેના તમામ મોરચા પર નબળી દેખાઈ રહી છે. રિપોર્ટ મુજબ પાકિસ્તાન પાસે ૬ લાખથી વધુ સૈનિકો છે, એરક્રાફ્ટ મામલે પણ પાકિસ્તાનનું પલડું ભારે છે, તેની પાસે ૧૪૦૦થી વધુ વિમાનો, ૩૦૦૦થી વધુ ટેન્કરો, ૫૦,૦૦૦થી વધુ આર્મ્ડ વ્હીકલ છે. પાકિસ્તાન નેવીની તાકાત પણ અફઘાનિસ્તાનથી ઘણી શ્રેષ્ઠ છે. પાકિસ્તાન પાસે ૩૮૭ એરક્રાફ્ટ વિમાનો પણ છે.
અફઘાનિસ્તાનની સેનાની વાત કરીએ તો તેની પાસે અફઘાન આર્મી, એરફાર્સ અને પોલીસ બળ સહિત ત્રણ લાખથી વધુ સૈનિકો છે. તેની વાયુ સેના પાસે કોઈ વિશેષ તાકાત નથી. અફઘાનિસ્તાન માટે સૌથી મોટો પડકાર તેના સૈનિકો જ છે, કારણ કે તેના સૈનિકો ટ્રેઇન નથી. આ ઉપરાંત તેની પાસે વાયુસેનાની તાકાત પણ ઓછી છે.
રિપોર્ટ મુજબ અમેરિકી સેનાના લગભગ સાત બિલિયન ડૉલરની કિંમતના હથિયારો અફઘાનિસ્તાનમાં પડ્યા છે.
આમાં એમ ૪ કાર્બાઇન, ૮૨ એમએમ મોર્ટાર લોન્ચર, એમ૧૬ રાઇફલ અને સેનાના હથિયારો ઉપરાંત સૈન્ય વાહનો, નાઇટ વિઝન, બ્લૈક હાક હેલિકોપ્ટર, એ૨૯ એરક્રાફ્ટ વિમાન, દેખરેખ રાખતાં ઉપકરણો સામેલ છે. રિપોર્ટ મુજબ અફઘાનિસ્તાન પાસે રશિયન હથિયારોનો મોટો જથ્થો છે, જે હવે તાલિબાની લડવૈયાઓના કબજામાં છે.