પાકિસ્તાને અફઘાનિસ્તાન પર એર સ્ટ્રાઈક કરી, ૧૫ના મોત
લાહોર, પાકિસ્તાને અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતના બર્મલ જિલ્લામાં મોડી રાતે અચાનક હવાઈ હુમલા કરી દેતાં ફરી ટેન્શન વધી ગયું છે. આ હવાઈ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા ૧૫ લોકો માર્યા ગયા હતા. મૃત્યુઆંક વધવાની આશંકા છે.
સ્થાનિક પ્રેસના અહેવાલ મુજબ ૨૪ ડિસેમ્બરની રાત્રે પાકિસ્તાની હવાઈ હુમલામાં લમાન સહિત સાત ગામોને નિશાન બનાવવામાં આવ્યા હતા, જ્યાં એક જ પરિવારના પાંચ સભ્યો માર્યા ગયા હતા. સ્થાનિક સૂત્રોએ દાવો કર્યાે છે કે આ હવાઈ હુમલા માટે પાકિસ્તાની જેટ જવાબદાર હતા.
અહેવાલો દર્શાવે છે કે બરમાલનું મુર્ગ બજાર ગામ સંપૂર્ણપણે નાશ પામ્યું છે, હુમલામાં ઘણા લોકો ઘાયલ થયા છે.મીડિયાના અહેવાલ અનુસાર આ હવાઈ હુમલાની તપાસ કરવામાં આવી રહી છે અને તેની પુષ્ટિ કરવા અને હુમલાની જવાબદારી સ્પષ્ટ કરવા માટે વધુ તપાસની જરૂર છે.
તાલિબાનના સંરક્ષણ મંત્રાલયે પક્તિકાના બર્મલ પર હવાઈ હુમલા બાદ જવાબી કાર્યવાહી કરવાની પ્રતિજ્ઞા પણ લીધી છે. મંત્રાલયે કહ્યું કે તેમની જમીન અને સાર્વભૌમત્વની રક્ષા કરવાનો તેમનો કાયદેસરનો અધિકાર છે અને અમે આ હુમલાની ટીકા કરીએ છીએ.
પાકિસ્તાની અધિકારીઓએ સત્તાવાર રીતે હવાઈ હુમલાની પુષ્ટિ કરી નથી, પરંતુ સૈન્યની નજીકના સુરક્ષા સૂત્રોએ સૂચવ્યું હતું કે આ હવાઈ હુમલા સરહદ નજીક તાલિબાન સ્થાનોને ટારગેટ પર રાખીને કરવામાં આવ્યા હતા. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે આ હવાઈ હુમલો થયો છે.
પાકિસ્તાની તાલિબાન અથવા તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન એ તાજેતરના મહિનાઓમાં પાકિસ્તાની દળો પર તેના હુમલામાં વધારો કર્યાે છે, પાકિસ્તાને અફઘાન તાલિબાન પર આ આતંકવાદીઓને આશ્રય આપવાનો આરોપ મૂક્યો છે.SS1MS