પાકિસ્તાની એરસ્પેસમાં ૪૬ મિનિટ રહ્યું મોદીનું વિમાન
(એજન્સી)નવી દિલ્હી, ભારત અને પાકિસ્તાન વચ્ચેની દુશ્મનાવટ અને તણાવપૂર્ણ સંબંધો હજુ પણ યથાવત છે. આઝાદી સમયથી આવો જ માહોલ છે. કટ્ટર વિરોધી પાકિસ્તાન અને ભારત વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. પરંતુ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં પોલેન્ડથી નવી દિલ્હી આવતા સમયે પાકિસ્તાની હવાઇક્ષેત્રનો ઉપયોગ કર્યો હતો.
ઉડ્ડયન સંબંધિત સૂત્રોએ શનિવારે પાકિસ્તાની મીડિયા સંસ્થાને આ માહિતી આપી હતી. પાકિસ્તાન સિવિલ એવિએશન ઓથોરિટી સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે પોલેન્ડથી નવી દિલ્હી પરત ફરતી વખતે ભારતીય પીએમ મોદીને લઈ જતું વિમાન પાકિસ્તાની એરસ્પેસમાંથી પસાર થયું હતું. પાકિસ્તાન સિવિલ એવિએશન ઓથોરિટીના અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પ્લેન સવારે ૧૦ઃ૧૫ વાગ્યે પાકિસ્તાની એરસ્પેસમાં પ્રવેશ્યું હતું
અને પાકિસ્તાની એરસ્પેસમાં ૪૬ મિનિટ વિતાવ્યા બાદ સવારે ૧૧ઃ૦૧ વાગ્યે પરત ફર્યું હતું. સૂત્રોએ જણાવ્યું કે ભારતીય વડા પ્રધાનનું વિમાન ચિત્રાલ થઈને પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યું અને ભારતના અમૃતસરમાં પ્રવેશતા પહેલા ઈસ્લામાબાદ અને લાહોરના હવાઈ નિયંત્રણ વિસ્તારોમાંથી પસાર થયું હતું.