૨૨ કલાકથી વીજકાપનો સામનો કરતા પાકિસ્તાની રસ્તા પર ઊતર્યા
(એજન્સી)કરાચી, પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરનો ભાગ એટલે કે, ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં સ્થાનિક લોકો પાકિસ્તાની સેના અને સરકારની વિરુધ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. ગુરુવારે પણ આ વિરોધનો વિડીયો સામે આવ્યો હતો. વિડીયોમાં સ્પષ્ટપણે જાેઈ શકાય છે કે,
પાકિસ્તાની સેનાના થોડા અધિકારીઓ અને સૈનિકો રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે અને થોડા લોકો તેઓનો રસ્તો રોકી નારેબાજી કરી રહ્યા છે. ગિલગિટ-બાલ્ટિસ્તાનના લોકોને અત્યારે વીજળી અને અનાજની ભારે કટોકટીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલા માટે જ ત્યાંનાં લોકો સરકાર અને આર્મીની વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે.
થોડા દિવસો પહેલા સૂત્રો દ્વારા એવા પણ સમાચાર મળી આવ્યા હતા કે, જેમાં કહેવામાં આવ્યું હતું કે, ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં પ્રદર્શનકારીઓએ હાથમાં ફાનસ લઈને સરકાર વિરુદ્ધ માર્ચ કાઢી હતી. શહેરના હુસૈની ચોકમાં પ્રદર્શનકારીઓએ સરકારની વિરુધ્ધ નારેબાઝી કરી હતી.
બાલ્ટિસ્તાન અવામી એક્શન કમિટીના આહ્વાન પર આ વિરોધમાં ઘણા રાજકીય અને સામાજિક કાર્યકરોએ ભાગ લીધો હતો. મળતી માહિતી અનુસાર, આ વિસ્તારના લોકો કડકડતી ઠંડીના કારણે ૨૨ કલાકથી વીજકાપનો સામનો કરી રહ્યા છે. આ ઉપરાંત લોકોને ઘઉંની અછતનો સામનો કરવો પડી રહ્યો છે.
એક રિપોર્ટ અનુસાર, બાલ્ટિસ્તાનમાં સબસિડી વાળો લોટ પૂરો થઈ ગયો છે. કારણ કે, ફેડરલ સરકારે આ વિસ્તારમાં સપ્લાયમાં ઘટાડો કર્યો છે. તેમજ સરકાર સામાન્ય નાગરિકોની સમસ્યાઓ પર ધ્યાન આપી રહી નથી.