મોંઘવારી અને આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાન પર હવે વીજળી સંકટ

પાકિસ્તાનના મોટાભાગનાં વિસ્તારોમાં અંધારપટ છવાયો
(એજન્સી)ઈસ્લામાબાદ, મોંઘવારી અને આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાને હવે વીજળી સંકટનો સામનો કરવો પડ્યો છે. સોમવારે પાડોશી દેશમાં પાવર કટ થયો હતો. ઈસ્લામાબાદ, લાહોર અને કરાચી જેવાં શહેરોમાં કેટલાય કલાકોથી લાઈટ નથી.
ઊર્જા મંત્રાલયે કહ્યું હતું કે નેશનલ ગ્રિડ સવારે ૭ઃ૩૪ વાગ્યે ડાઉન થઈ ગયું, જેને કારણે વીજતંત્ર ખોરવાઈ ગયું હતું. મંત્રાલયે કહ્યું હતું કે સિસ્ટમને સુધારવા માટે ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે. આ અંગે ઊર્જા મંત્રાલયે નિવેદન બહાર પાડ્યું હતું.
ક્વેટા ઇલેક્ટ્રિક સપ્લાય કંપનીએ જણાવ્યું હતું કે બલૂચિસ્તાનનાં ૨૨ શહેર સવારથી વીજળી વગરનાં છે. અહીં ગુડ્ડુ અને ક્વેટા વચ્ચેની બે સપ્લાય લાઈનમાં સમસ્યા છે.
પાકિસ્તાન આ વર્ષે નવી ઊર્જા યોજના લઈને આવ્યું છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં પણ પાકિસ્તાનમાં મોટો પાવર કટ થયો હતો. ત્યાર બાદ કરાચી, લાહોર જેવાં શહેરોમાં લગભગ ૧૨ કલાક સુધી પાવર કટ રહ્યો હતો.
પાકિસ્તાનના મીડિયા હાઉસ ડોનના જણાવ્યા અનુસાર, પેશાવર અને ઈસ્લામાબાદમાં સિસ્ટમને રિસ્ટોર કરવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. તે જ સમયે, એક અધિકારીએ જણાવ્યું હતું કે સમગ્ર પાકિસ્તાનમાં ૧૧૭ પાવર ગ્રિડ વીજળી વગરનાં છે.
એક સાથે વીજળી ડૂલ થવાથી સમગ્ર પાકિસ્તાનમાં હોબાળો મચી ગયો છે.
કરાચીમાં અંધારપટ દરમિયાન વાહનચાલકો રહેણાંક વિસ્તારમાંથી પસાર થાય છે. આ તસવીર ૨૦૨૧ની છે જ્યારે આ વર્ષની જેમ પાકિસ્તાનમાં પાવર ફેલ થયો હતો.
વીજળી ગૂલ થયા બાદ રાવલપિંડીની હાલત કંઈક આવી થઈ જાય છે. આર્થિક લાભ જાેઈને પાકિસ્તાને ઈંધણ બચાવવા માટે શિયાળાની રાતોમાં વીજળી ઉત્પન્ન કરતી ફેક્ટરીઓ અસ્થાયી રૂપે બંધ કરી દીધી હતી. ત્યારથી પાકિસ્તાન અંધકારમાં ડૂબી ગયું છે.
કરાચીમાં પાવર ફેલ થવાને કારણે પાકિસ્તાનનો રહેણાંક વિસ્તાર કંઈક આવો દેખાય છે. પાકિસ્તાનના ઉર્જા મંત્રી ખુર્રમ દસ્તગીર ખાને દાવો કર્યો હતો કે કેટલાક ગ્રીડ સ્ટેશનોએ સિસ્ટમને રિસ્ટોર કરવાનું કામ શરૂ કરી દીધું છે, જ્યારે વીજ પુરવઠો સંપૂર્ણપણે સિસ્ટમને રિસ્ટોર કરવામાં ૭૨ કલાકનો સમય લાગશે.
પાવર કટ બાદ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ આ રીતે દેખાય છે. પાવર કટ પછી, રાવલપિંડી સંપૂર્ણપણે અંધકારમય શહેર બની ગયું છે. રિપોર્ટ અનુસાર કરાચીનો ૯૦ ટકા વિસ્તાર વીજળી વગરનો છે.