તાજા ફળો, શાકભાજી અને સૂકા મેવા જેવી વસ્તુઓની પાકિસ્તાનથી ભારત આવી શકશે નહિં

ભારતના એક્શન બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર રોક લગાવી-થોડા સમય પહેલાં જ, પાકિસ્તાન અને ભારત વચ્ચે વેપાર સંબંધોમાં નોંધપાત્ર સુધારો થયો હતો.
(એજન્સી)ઈસ્લામાબાદ, જમ્મુ-કાશ્મીરના પહરલગામમાં મંગળવારે (૨૨ એપ્રિલે) ભયાનક આતંકવાદી હુમલો થયા બાદ ભારત પાકિસ્તાન વિરુદ્ધ કડકાઈથી કાર્યવાહી કરી છે. ભારતે ૧૯૬૦ સિંધુ જળ સમજૂતી ખતમ કરવા સહિત અનેક પગલા ભર્યા છે, જેના કારણે પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે.
ભારતના નિર્ણયની અસર આખા પાકિસ્તાન પર પડી છે. આ જ ક્રમમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ગુરુવારે (૨૪ એપ્રિલ, ૨૦૨૫) એક ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠક પણ બોલાવી હતી, જેમાં તેમણે ભારતીય ફ્લાઇટ્સ માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરવાનો આદેશ આપ્યો છે. એટલું જ નહીં શાહબાજ સરકારે કહ્યું કે, પાણી રોકવું યુદ્ધ જેવી કાર્યવાહી છે.
પાકિસ્તાનના વડાપ્રધાનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં તેઓએ ભારત આવતી અને જતી કોમર્શિયલ ફ્લાઇટ્સ માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે. શાહબાઝ સરકારના જણાવ્યા અનુસાર, હવે ભારતીય ફ્લાઇટ્સને પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના અને રાજદ્વારીઓને ભારતમાંથી હાંકી કાઢવાના ભારતના નિર્ણયથી પાકિસ્તાન નારાજ છે. આ ઉપરાંત સરકારે એમ પણ કહ્યું છે કે, પાણી રોકવું એ યુદ્ધ જેવી કાર્યવાહી છે.
પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન ઈશાક ડારે બુધવારે મોડી રાત્રે એક ખાનગી ટેલિવિઝન ચેનલ સાથે વાત કરતા ભારતના આ પગલાને ઉતાવળમાં લેવાયેલો નિર્ણય ગણાવ્યો હતો.
પહેલગામ હુમલા પછી જેદ્દાહથી તાત્કાલિક પરત ફરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિમાન પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાંથી પસાર થયું નહીં અને અન્ય રસ્તેથી પસાર થયું હતું. આ પહેલા મંગળવારે (૨૨ એપ્રિલ) જેદ્દાહ જતી વખતે વડાપ્રધાન મોદીનું વિમાન પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાંથી પસાર થયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં જ, પાકિસ્તાન અને ભારત વચ્ચે વેપાર સંબંધોમાં નોંધપાત્ર સુધારો થયો હતો. પાકિસ્તાન દ્વારા ભારત તરફ નિકાસ કરવામાં આવતી ચોક્કસ વસ્તુઓની માત્રામાં ગયા મહિનાની સરખામણીએ ૧૫% નો વધારો જોવા મળ્યો છે.
પાકિસ્તાન દ્વારા ભારતને મુખ્યત્વે સિમેન્ટ, ખાતર, ટેક્સટાઈલ, ચામડાની વસ્તુઓ, તાજા ફળો, શાકભાજી અને સૂકા મેવા જેવી વસ્તુઓની નિકાસ કરવામાં આવે છે. આ ઉપરાંત હસ્તકલાની વસ્તુઓ, સુરમો અને પરંપરાગત દવાઓની નિકાસ પણ નોંધપાત્ર પ્રમાણમાં જોવા મળી છે.
પાકિસ્તાનના વાણિજ્ય મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે, “અમે ને દેશો વચ્ચેના વેપાર સંબંધોને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો કરી રહ્યા છીએ. આગામી મહિનાઓમાં નિકાસમાં વધુ વધારો થવાની અપેક્ષા હતી.” ભારતીય વેપારી સંગઠનના પ્રમુખે જણાવ્યું કે, “પાકિસ્તાન દ્વારા નિકાસ કરવામાં આવતી વસ્તુઓની ગુણવત્તા સારી છે અને ભારતીય બજારોમાં તેમની માગ વધી રહી છે, ખાસ કરીને હસ્તકલાના સામાન અને પરંપરાગત વસ્ત્રોની.”
આર્થિક નિષ્ણાતોના મતે, આ વેપાર વૃદ્ધિ બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધોમાં સુધારો દર્શાવે છે, જે આગામી સમયમાં રાજકીય સંબંધોને પણ હકારાત્મક અસર કરી શકે છે.