ખેમાણા ટોલ ટેક્સ પાસેથી નશાકારક દ્રવ્યોનો જથ્થો ખાનગી બસમાંથી ઝડપાયો

પ્રતિકાત્મક
પાલનપુરમાંથી ૩૦ કિલો ગાંજો અને ૪૦ કિલો અફીણનો જથ્થો ઝડપાયો
(એજન્સી)પાલનપુર, રાજ્યમાંથી માદક દ્રવ્યો ઝડપાવવાનો સિલસિલો યથાવત જ જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ એક વખત રાજ્યમાંથી માદક દ્રવ્યનો જથ્થો ઝડપાયો છે. બનાસકાંઠાના પાલનપુરમાંથી માદક દ્રવ્યોનો જથ્થો ઝડપાયો છે. ખેમાણા ટોલ ટેક્સ પાસેથી પોલીસે માદક દ્રવ્યનો જથ્થો ઝડપી પાડ્યો છે. નશાકારક દ્રવ્યોનો જથ્થો ખાનગી બસમાંથી ઝડપાયો છે.
એસઓજીને બાતમી મળી હતી કે એક ખાનગી બસમાં ગાંજા અને અફીણની હેરાફેરી કરવામાં આવી રહી છે, ત્યારે એસઓજીએ બાતમીના આધારે વોચ ગોઠવીને ખાનગી બસમાંથી ૩૦ કિલો ગાંજો અને ૪૦ કિલો જેટલો અફીણનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ગાંજા અને અફીણના જથ્થા સાથે ૩ લોકોની અટકાયત પણ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે આ રેકેટમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે. આરોપીઓ આ જથ્થો ક્યાંથી અને કોની પાસેથી લાવ્યાં હતા તેની પોલીસે તપાસ શરૂ કરી છે. ૨૫ ફેબ્રુઆરીએ રાજ્યભરમાંથી પોલીસે ૮૩ લાખ રૂપિયાથી વધુની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને આ સાથે જ ૫ જેટલા ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં સુરતમાંથી જ ૬૯ લાખના ડ્રગ્સના જથ્થા સાથે ૪ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આમ, પોલીસે સુરત અને કચ્છમાં મળીને ૮૦ લાખથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો હતો.
સુરતમાં બે જગ્યા કતારગામ અને સચિન વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં ગાંજો ઝડપાયો હતો. કતારગામથી રૂપિયા ૨૬ લાખના ગાંજા સાથે બે ઈસમોને ઝડપી લેવામાં આવ્યા હતા. આ ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનથી લાવવામાં આવ્યો હતો.
સુરત ક્રાઈમ બ્રાન્ચે ફિલ્મી ઢબે પીછો કરીને ૨ આરોપીને ઝડપી પાડ્યા છે. બીજી તરફ સુરતના સચિન વિસ્તારમાંથી પણ ગાંજોનો જથ્થો ઝડપાયો હતો. ૧.૩૦ કિગ્રા ગાંજા સાથે ૨ ઈસમોની પોલીસે ધરપકડ કરી લીધી હતી. આ આરોપીઓ નવસારીથી કારમાં ગાંજો લઈને આવી રહ્યા હતા અને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા હતા.