દિકરી અને સાસુને જોઈને નારી સંરક્ષણ કેન્દ્રમાં રહેતા આશ્રિત બહેન રડવા લાગ્યા- 15 વર્ષે પરિવારને મળ્યા

મુકબધીર મહિલા બિહારનાં (Bihar) મુજફ્ફરપુરનાં બુધનગરાનાં કિરણબેન સાહની. આ બહેન 15 વર્ષ અગાઉ બિહારથી ટ્રેન મારફત પોતાનાં પરિવારથી વિખૂટા પડી ગયા હતા.
પાલનપુર નારી સંરક્ષણ કેન્દ્રએ ૫૦ વર્ષીય મૂકબધિર મહિલાનું પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યું
(એજન્સી) પાલનપુર, પાલનપુર સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા દોઢ વર્ષ અગાઉ ૫૦ વર્ષની મહિલાને આશ્રય હેઠળ નારી સંરક્ષણ કેન્દ્રમાં મૂકવામાં આવી હતી. આશ્રિત મહિલા બહેરા અને મૂંગા હતા જેથી તેમના પરિવાર વિષે જાણકારી મળતી નહોતી. લાંબા સમયની મહેનત પછી તેમના પરીવાર સાથે સંપર્ક થયો હતો.
આ માટે નારી કેન્દ્ર પાલનપુર દ્વારા આ બહેન માટે બહેરા, મૂંગા સ્કૂલમાંથી શિક્ષક બોલાવીને પ્રયત્નો હાથ ધરાયા હતા પણ ખાસ કોઈ માહિતી મળી શકતી નહોતી. મહિલાના પરીવાર દ્વારા દોઢ વર્ષ પછી નારી કેન્દ્ર ખાતે સંપર્ક કરીને આધાર પુરાવા રજૂ કર્યા હતા. નારી કેન્દ્ર દ્વારા બહેનના પરીવાર, સ્થળ વગેરે બાબતોને ક્રોસ ચેક કરવામાં આવી હતી.
તે પછી આશ્રિત બહેનની દિકરીનું સરનામું લઈને તેને કોન્ટેક્ટ કરતાં તેણે બધી વાત સમજી અને ‘આ મારા મમ્મી છે’ એવું સ્વીકાર્યું હતું. ત્યારબાદ તેમણે મળવા બોલાવ્યા હતા. તેમની દિકરી અને સાસુને જોઈને આશ્રિત બહેન રડવા લાગ્યા હતા. આવા દ્રશ્યો જોઈ ઉપસ્થિત સૌ કોઈ ભાવુક બન્યા હતા. પોતાના પરીવારના લોકોને જોઈને આશ્રિત બહેન ખુશ થઈને નાચવા પણ લાગ્યા હતા.
બિહારનાં મુજફ્ફરપુરનાં બુધનગરાનાં કિરણબેન સાહની. આ બહેન 15 વર્ષ અગાઉ બિહારથી ટ્રેન મારફત પોતાનાં પરિવારથી વિખૂટા પડી ગયા હતા. તેમની માનસિક સ્થિતિ સારી ના હોઈ તેઓ ટ્રેન મારફત પાલનપુર રેલવે સ્ટેશન ખાતે ઉતરી ગયા હતા. અહીં, તેઓ અલગ-અલગ ગામડાઓમાં ભીખ માગીને પોતાનું જીવન ગુજારતા હતા. માનસિક રીતે બીમાર મહિલાની ગ્રામ્ય લોકોએ પોલીસ સ્ટેશન છાપી ખાતે જાણ કરતા પોલીસ વિભાગ દ્વારા મહિલાને પાલનપુર નારી સંરક્ષણ કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા હતા.
પરીવાર તેમને સાથે લઈ જવા માંગતો હોઈ જિલ્લા કલેકટરની મંજૂરી લઈને તેમણે તેમના પરિવાર સાથે સોંપી અને પરીવાર સાથે પુનઃસ્થાપન કરાવવામાં આવ્યું હતું. પાલનપુર ખાતે મહિલા બાળ અધિકારીની કચેરી દ્વારા સંચાલિત નારી સંરક્ષણ કેન્દ્ર ખાતે પીડિત, અનાથ, ઘરેલુ હિંસાનો ભોગ બનનાર દિવ્યાંગ, માનવ તસ્કરીનો ભોગ બનેલી ૧૮ થી ૫૯ વર્ષની બહેનોને પ્રવેશ આપવામાં આવે છે.
તેમને શૈક્ષણિક અને આરોગ્ય લક્ષી સુવિધાઓ સહિત બહેનો પગભર બની શકે તે માટે આર્થિક ઉપાજનની તાલીમ આપવામાં આવે છે. સામાજિક ધાર્મિક વિવિધ તહેવારોની પણ અહીં ઉજવણી થાય છે. બહેનોનું કાઉન્સિલિંગ કરી તેમના પુનઃસ્થાપન માટે કામગીરી કરાય છે.