પાલનપુર પોલીસે આંગડિયા કર્મીની રૂપિયા ભરેલી બેગ શોધી આપી
રૂા.૧,૩૦,૦૪૦ લઈને આવેલો કર્મી રિક્ષામાં બેગ ભુલી ગયો હતો
પાલનપુર, પાટણની એક આંગડીયા પેઢીનો યુવક રોકડ રકમ લઈને પાલનપુરમાં આવ્યો હતો અને રિક્ષામાં બેસી પાલનપુર નવા બસ સ્ટેશન આગળ રિક્ષામાંથી ઉતરી રોકડ ભરેલી બેગ રિક્ષામાં ભુલી ગયો હતો. બેગ યાદ આવે તે પહેલા રિક્ષાચાલક ત્યાંથી રિક્ષા લઈ નીકળી ગયો હતો.
આ અંગે યુવકે પાલનપુર પશ્ચિમ પોલીસનો સંપર્ક કરતા પોલીસ અને નેત્રમ ટીમ દ્વારા સીસીટીવીમાં તપાસ કરી રિક્ષાનું લોકેશન મેળવી બેગને શોધી જિલ્લા પોલીસ વડાના હસ્તે બેગ આંગડીયા પેઢીના કર્મીને આપી હતી.
પાટણ આંગડીયા પેઢીનો યુવક જશવંતસિંહ મંગાજી રાજપૂત (રહે. સરવા, પાટણ) આંગડીયા પેઢીના રોકડા રૂા.૧,૩૦,૦૪૦ લઈને પાલનપુર આવ્યો હતો. તે રિક્ષામાં બેસી નવા બસ સ્ટેશન ઉતર્યો હતો. જાેકે રોકડ રૂપિયા ભરેલી બેગ રિક્ષામાં ભુલી ગયો હતો બેગ ભુલી ગયાનું યાદ આવતા તેણે પાલનપુર પશ્ચિમ પોલીસનો સંપર્ક કરી અરજી આપી હતી.
જેથી શહેર પશ્ચિમ પોલીસ દ્વારા અરજદારને સાથે રાખી નેત્રમની કચેરી ખાતે આવ્યા હતા અને નેત્રમની ટીમની મદદથી સીસીટીવી કુટેજ ચેક કરી અને રિક્ષા નંબર મેળવી રિક્ષા નંબરને આઈટીએસમાં સર્ચ કરી રિક્ષા ચાલકનું લોકેશન મેળવ્યું હતું
તે પછી મોબાઈલ નંબર મેળવી નેત્રમની ટીમ તેમજ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટાફ દ્વારા મોબાઈલ મારફતે બેગ બાબતે પુછપરછ કરતાં રિક્ષાચાલકે બેગમાં રોકડ રકમ ૧,૩૦,૦૪૦ રૂપિયા પુરા મળી આવ્યા હોવાનું જણાવ્યું હતું જેથી રિક્ષાચાલક રોકડ ભરેલી બેગ લઈ આવી જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના હસ્તે અરજદારને બેગ પરત આપવામાં આવી હતી.