પાલનપુરના વિવિધ વિસ્તારોમાં રોડ રસ્તાઓનું સમારકામ હાથ ધરાયું
(તસ્વીરઃ ભગવાનભાઈ સોની,પાલનપુર) વરસાદે વિરામ લેતાં પાલનપુર શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ રસ્તાઓનું રીપેરીંગ કામકાજ હાથ ધરાયુંછે.પાલનપુર નગરપાલિકા ઓની સ્વચ્છતા અને આરોગ્યની વિવિધ ટીમોની રચના કરી કામગીરી કરવામાં આવી રહી છે. આ ટીમ દ્વારા શહેરમાં રોડ રસ્તાઓ પર પડેલા ખાડાઓ વેટમિક્ષ અને મોરમ નાખી પૂરવામાં આવી રહ્યા છે.
જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની સૂચના અન્વયે જિલ્લાની નગરપાલિકાઓમાં વરસાદ બાદ તાત્કાલિક ધોરણે ભરાયેલા પાણીનો નિકાલ થાય, એ વિસ્તારોમાં રોડ રસ્તાની યોગ્ય સાફ-સફાઈ કરવામાં આવે, લોકોની અવરજવર માટે રસ્તાઓનું સમારકામ કરવામાં આવે તથા લોકોના આરોગ્ય માટે દવા છંટકાવ સહિતની કામગીરી પર ભાર મૂકવામાં આવ્યો છે.
જેના ભાગરૂપે નગરપાલિકા તંત્ર દ્વારા ડેરી રોડ, ગોબરી રોડ, ગુરુનાનક ચોક થી કીર્તિ સ્તંભ, ગુરુનાનક ચોક થી સુરેશ મહેતા ચોક, કીર્તિ સ્તંભ થી અંબાજી માતા મંદિર સંજય ચોક થી સુરેશ મહેતા ચોક, કોજી આસ પાસના ખાડા, બેચરપૂરા , લક્ષ્મીપુરા માલણ દરવાજા થી ધનીયાણા ચાર રસ્તા ,રિંગ રોડ અને ગણેશપુરા સહિતના વિસ્તારોમાં રોડ પરના ખાડામાં વેટમિક્ષ પૂરવાની કામગીરી કરવામાં આવી રહી છે.