પાલડીમાં રૂ. ૯.૭૯ કરોડના ખર્ચે પાંચ માળનું બિલ્ડિંગ નિર્માણ પામશે નરસિંહ ભગત છાત્રાલયમાં
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/07/Narsinhbhagat1-1024x683.jpg)
અમદાવાદમાં નરસિંહ ભગત છાત્રાલય ખાતે મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરિયાના હસ્તે બ્લોક-એ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરાયું
અમદાવાદમાં અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે રહેવાની સુંદર સગવડનું નિર્માણ કરાશે
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં શિક્ષણનો વ્યાપ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે અને વિદ્યાર્થીઓનાં સપનાં સાકાર થાય એ માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે: સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરીયા
અમદાવાદમાં પાલડી ખાતે આવેલા નરસિંહ ભગત છાત્રાલયમાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરીયાના હસ્તે બ્લોક-એ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરાયું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રી ભાનુબહેન બાબરીયાએ જણાવ્યું હતું કે, નરસિંહ ભગત છાત્રાલયમાં લાખો વિદ્યાર્થીઓએ અહીંયા રહીને સારું શિક્ષણ મેળવીને પોતાનાં સપનાં સાકાર કર્યાં છે. સંકલ્પ એ સફળતાનું પ્રથમ પગથિયું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં શિક્ષણનો વ્યાપ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે અને વિદ્યાર્થીઓનાં સપનાં સાકાર થાય એ માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે, એવું તેમણે ઉમેર્યું હતું.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે પ્રકારે કામ કરી રહ્યા છે તેનો ડંકો સમગ્ર વિશ્વમાં વાગ્યો છે અને એક ગુજરાતી હોવાનું સૌનું ગૌરવ વધાર્યું છે. આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અનુસૂચિત સમાજના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ ક્ષેત્રે વિવિધ યોજનાઓ સાર્થક કરી છે. એવું તેમણે ઉમેર્યું હતું.
નિર્માણ પામનાર હોસ્ટેલની વિશેષતા વિશે મંત્રીશ્રી ભાનુબહેન બાબરીયાએ જણાવ્યું હતું કે નરસિંહ ભગત છાત્રાલયના બ્લોક-એ બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવશે, જેમાં ગ્રાઉન્ડ ફ્લોર વત્તા પાંચ માળની ઇમારત આકાર લેશે. આ બિલ્ડિંગ આશરે રૂ. ૯.૭૯ કરોડના ખર્ચે નિર્માણ પામશે, જેમાં ૨૭૦ જેટલા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે રહેવા/ જમવાની સગવડ આપી શકાશે તેમજ રમતગમતનાં સાધનો, સામયિકો વગેરે સરકારશ્રી દ્વારા પૂરા પાડવામાં આવશે, એવું તેમણે ઉમેર્યું હતું.
રાજ્ય સરકાર દ્વારા ચલાવાતી ડૉ. બાબાસાહેબ વિદેશ અભ્યાસ લોન યોજના વિશે વાત કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના આર્થિક સહયોગથી આજે વિવિધ સમાજના અનેક દીકરા-દીકરીઓ વિદેશમાં અભ્યાસ કરી રહ્યા છે. ખાતમુહૂર્ત પ્રસંગે કૉંગ્રેસના દાણીલીમડાના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા,
ખાતમુહૂર્તના આ કાર્યક્રમમાં અમદાવાદનાં મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન, દાણીલીમડાના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ પરમાર, અસારવાના ધારાસભ્ય શ્રીમતી દર્શનાબહેન વાઘેલા, અનુસૂચિત જાતિ અને જનજાતિ કલ્યાણના નિયામકશ્રી ,અને અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના નિયામકશ્રી સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે છાત્રાલય વિભાગમાં વિદ્યાર્થીઓ માટે ૪૫ રૂમો, કૉન્ફરન્સ હોલ, વિઝિટર રૂમ, જનરલ સ્ટોર, વોટર કુલર વિથ આર.ઓ. પ્લાન્ટ, વોશ એરીયા, ટોયલેટ બ્લોક વગેરે તેમજ મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીશ્રીનું કવાર્ટરની તથા સિકયુરિટી રૂમ જેવી આધુનિક સગવડતા ઊભી કરવામાં આવનાર છે. આ ઉપરાંત હાલમા નરસિંહ ભગત છાત્રાલય બ્લોક -બી બિલ્ડિંગમાં ૩૮ રૂમોમાં ૩૦૪ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે રહેવા/ જમવાની સગવડ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે.