અમદાવાદ મ્યુનિ. હેલ્થ ફૂડ વિભાગે જયસિયારામ પેંડાવાલાને સીલ કર્યું
પાલડીમાં જલારામ મંદિર પાસેના જય સિયારામના પેંડામાંથી ફૂગ નીકળી-જય સિયારામના ફૂગવાળા પેંડાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો
(પ્રતિનિધિ)અમદાવાદ, શહેરના પાલડી વિસ્તારમાં આવેલા જયસિયારામના પેંડામાંથી ફૂગ નીકળ્યા બાદ ગ્રાહકે મ્યુનિ.હેલ્થ ફૂડ વિભાગમાં ફરિયાદ કરી હતી. જેને ધ્યાનમાં લઈ હેલ્થફૂડ વિભાગના અધિકારીઓ સોમવારે સાંજે જ સ્થળ તપાસ માટે ગયા હતા. પરંતુ દુકાન બંધ હોવાથી કાર્યવાહી થઈ ન હતી. તેથી મંગળવાર સવારે ફરી એક વખત અધિકારીઓ સ્થળ તપાસ માટે ગયા હતા. જ્યાં હાઇજેનિક સ્થિતિ ન હોવાથી મ્યુનિ. હેલ્થ ફૂડ વિભાગ ઘ્વારા જયસિયારામને સીલ કર્યું છે.
અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલ, ફૂડ કોર્ટ અને રેસ્ટોરન્ટનાં ફૂડમાંથી જીવાત નીકળવાની ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે. ખોખરા ના કોર્પોરેટરના ઓફિસ સ્ટાફ ઘ્વારા ઓનલાઈન કાંકરીયા ની પુરોહિત હોટેલમાંથી મંગાવવામાં આવેલા ફૂડમાંથી ઈયળ નીકળી હતી.
ત્યારબાદ ભાજપના એક પૂર્વ કોર્પોરેટર કાંકરીયા પરિસરમાં મેરેજ એનિવર્સરી ની ઉજવણી કરવા પરિવાર સાથે કાંકરિયા પરિસરમાં ગયા હતા જ્યાં ઓર્ડર કરેલા પીઝા અને ટોમેટો સોસમાંથી જીવાત નીકળી હતી જેના બીજા દિવસે જ હોટેલ હયાત ના સાંભરમાંથી વાંદો નીકળ્યો હતો જેના પગલે હેલ્થ ફૂડ વિભાગ ઘ્વારા ૩૦ જુલાઈએ એકસાથે આવા ૧૦ સીલ કર્યા હતા તેમ છતાં પરિસ્થિતિમાં સહેજ પણ સુધારો આવ્યો નથી.
પાલડી જયસીયારામ પેંડાવાલા ની દુકાનમાંથી રક્ષાબંધન ના તહેવાર માટે ખરીદ કરવામાં આવેલા પેંડા ફૂગવાળા હોવાની વિગતો બહાર આવી છે.આ અંગે ખરીદી કરનાર પરિવારે મ્યુનિ.કોર્પોરેશન માં ફરિયાદ કરી હતી.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ શહેરના પાલડી વિસ્તારમાં જલારામ મંદિર પાસે આવેલા જયસીયારામ પેંડાવાલા ની દુકાનમાંથી એક પરિવારે ૧૭ તારીખે પેંડા ની ખરીદી કરી હતી. તેમનો આક્ષેપ છે કે ૧૯ તારીખ સવારે ૧૦ વાગે પેંડાના બોક્ષ ખોલતા તેમાં ફૂગ જોવા મળી હતી. તેથી તેમણે મ્યુનિસિપલ કોર્પોરેશન ના ૨૪ કલાક કાર્યરત ફોન નંબર ૧૫૫૩૦૩ પર ફરિયાદ નોંધાવી છે તેમજ આ અંગે ફૂગવાળા પેંડાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ પણ કર્યો છે.
અત્રે નોંધનીય છે કે થોડા દિવસ પહેલા મણિનગર માં રહેતા પરિવારે ઝોમેટો ઘ્વારા ગ્વાલિયા સ્વીટસમાંથી પ્રસાદ માટે મીઠાઈ અને નમકીન મંગાવ્યા હતા. પરંતુ પ્રસાદ માટે મંગાવેલ મીઠાઈમાંથી ફૂગ નીકળી હતી.તેથી મ્યુનિસિપલ આરોગ્ય વિભાગને આ અંગે જાણ કરી હતી. મ્યુનિસિપલ હેલ્થ ફૂડ વિભાગે આ મુદ્દે તાકીદે કાર્યવાહી કરી ગ્વાલિયા ની દુકાન સીલ કરી હતી.