ચિત્રકૂટ એવોર્ડ મેળવી અરવલ્લી જિલ્લાને ગૌરવ અપાવતા પાલડી પ્રાથમિક શાળાના શિક્ષક

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાની અંતરિયાળ વિસ્તારમાં આવેલી પાલડી પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા ધર્મેશ સોનીએ ચિત્રકૂટ એવોર્ડ મેળવી પાલડી પ્રાથમિક શાળા, બાયડ તાલુકા અને અરવલ્લી જિલ્લાનું ગૌરવ વધારેલ છે. પરમ પૂજ્ય મોરારીબાપુ દ્વારા ચિત્રકૂટ ધામ તલગાજરડા મહુવા ભાવનગર ખાતે દર વર્ષે શિક્ષણમાં નાવીન્ય અને વિશેષ કામગીરી કરતા શિક્ષકોને ચિત્રકૂટ એવોર્ડ થી નવાજવામાં આવે છે.
જેમાં ચાલુ વર્ષે ગુજરાતના કુલ ૩૫ શિક્ષકોનો એવોર્ડ વિતરણ સન્માન કાર્યક્રમ ચિત્રકૂટ ધામ તલગાજરડા ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં અરવલ્લી જિલ્લા માંથી બાયડ તાલુકાની પાલડી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક શિક્ષણમાં ઇનોવેટિવ અને વિશિષ્ટ કામગીરી કરનાર ધર્મેશ નવનીતલાલ સોનીની પસંદગી કરવામાં આવી હતી.
જ્યાં તેમને વિશ્વ વંદનીય પરમ પૂજ્ય શ્રી મોરારીબાપુ, ગુજરાતના રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા, પૂજ્ય મહંત શ્રી સીતારામ બાપુના વરદ હસ્તે રામ નામની શાલ, ચિત્રકૂટ એવોર્ડ, પ્રશસ્તિપત્ર, સચિત્ર સુંદરકાંડ અને ૨૫૦૦૦/- રૂપિયાનો ચેક તથા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
પાલડી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક ધર્મેશ સોનીએ શિક્ષણની સાથે જાયન્ટ્સ ગ્રુપ ઓફ બાયડ અને ભારત વિકાસ પરિષદ બાયડ શાખા જેવી સેવાકીય સંસ્થામાં સક્રિય રહીને નિસ્વાર્થ ભાવે સમાજસેવાની સાથે શિક્ષણ ક્ષેત્રે શાળામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન, બાળમેળો, પ્રવૃત્તિમય શિક્ષણ, વાલી મીટીંગ, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી,પતંગોત્સવ, માતૃ પિતૃ પૂજન દિવસ,
ગુરુવંદના, હોળી ધુળેટી મહોત્સવ, બેટી બચાઓ બેટી પઢાઓ અંતર્ગત વિશ્વ મહિલા દિવસની ઉજવણી,અંધશ્રદ્ધા અને વ્યસન મુક્તિ નિવારણ કાર્યક્રમ, સ્વચ્છતા અભિયાન, નવરાત્રી મહોત્સવ, રક્ષાબંધન, શિક્ષક દિનની ઉજવણી, શાળા પ્રવેશોત્સવમાં બેટિયા સ્કૂલ ચલો અંતર્ગત શૈક્ષણિક કીટનું વિતરણ, વૃક્ષારોપણ, આરોગ્ય લક્ષી કાર્યક્રમો, પ્રવાસ પર્યટન, વિવિધ સંસ્થાઓની મુલાકાત, ચંપલ વિતરણ,કપડાં વિતરણ,
અનાજ વિતરણ,તિથિ ભોજન, અબોલ જીવ પક્ષી ચકલી માટે માળાનું વિતરણ, ગૌરીવ્રત નિમિત્તે સુકમેવાનું વિતરણ, સેનેટરી પેડ્સનું વિતરણ, રાષ્ટ્રીય પર્વની ઉજવણી, સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી, શ્રીમદ્ ભગવદ ગીતા પુસ્તકનું વિતરણ, ગાયત્રી યજ્ઞની સાથે સાથે બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહે છે. શિક્ષણ અને સમાજ વ્યવસ્થામાં ઉમદા સહયોગ અને કન્યા કેળવણી ક્ષેત્રે કરેલા પ્રદાનને ધ્યાને રાખી ચિત્રકૂટ એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.