આડેધડ પાર્કિગ અને ગેરકાયદે દબાણોથી પાલીતાણામાં ટ્રાફિક સમસ્યા વકરી
પાલિતાણા, પાલિતાણામાં લાંબા સમયથી દબાણો અને ટ્રાફિકનો પ્રશ્ર સ્થાનિકો માટે શીરદર્દ સમાન બન્યો છે. વારંવાની રજુઆતો છતાં આ સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી. આડેધડ ખડકાતા દબાણો અને વાહનોને કારણે અવ્યવસ્થા સર્જાતી હોવાથી લોકોને પરેશાની ભોગવવી પડી રહી છે ત્યારે ટ્રાફિક અને દબાણના મામલે તંત્ર દ્વારા સત્વરે કોઈ નકકર કામગીરી કરવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે.
પાલિતાણામાં ટ્રાફિક અને દબાણની સમસ્યા લોકો માટે ત્રાસદાયક બની રહી છે. આ મામલે તંત્રને વારંવારની રજુઆત કરવા છતાં કોઈ પરિણામલક્ષી પગલાં ભરવામાં આવતા નથી જેનાં કારણે આ સમસ્યા દિન પ્રતિદિન વધતી રહી છે.
જુદા જુદા વિસ્તારોમાં તેમજ જાહેર માર્ગો પર આડેધડ પા‹કગ તેમજ લારીઓના જમાવડો વધતો જાયછે. દુકાનદારો પણ ફૂટપાથ રોકીને માલ સામાન મૂકે છે. ઓવરબ્રિજની ફુટપાથો ઉપર પાથરણાવાળા બેસી જાય છે આથી ટ્રાફિક સમસ્યા સર્જાય છે.
નગરપાલિકા અને પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન કરવામાં આવે છે પરંતુ ફરીથી પરિસ્થિતિ એવી ને એવી સર્જાય છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે મોટા વાહનોને ફકત રાત્રીના જ નગરમાં પ્રવેશ આપવો જોઈએ. પોલીસ, નગરપાલિકા અને પ્રાંત કચેરીએ સંકલન કરી આ સમસ્યાનું નિરાકરણ લાવી શહેરની જનતાને સમસ્યામાંથી મુક્તિ આપવા લોકમાગ ઉઠવા પામી છે.