રૂપાલ ગામે આજે પલ્લી યોજાશે

બે વર્ષ બાદ ફરી વહેશે ઘીની નદી : આ ધાર્મિક કાર્યક્રમમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે
ગાંધીનગર, પાંડવ કાળથી શરૂ થયેલી વરદાયની માતાની પલ્લીની પરંપરા આજે પણ રૂપાલ ગામમાં જીવંત છે. પ્રતિવર્ષ નવમા નોરતે માતાની પલ્લી ભરાય છે. દર વર્ષે લાખોની મેદની વચ્ચે નીકળતી વરદાયીની માતાજીની પલ્લી ગયા વર્ષે કોરોનાને કારણે થોડા લોકોની હાજરીમાં જ કાઢવામાં આવી હતી, ગામના અન્ય લોકોએ પણ પોતાના ઘરો કે ચોકમાં ઉભા ઉભા જ પલ્લીના દર્શન કરી લીધા હતા, જયારે ગામના ર૭ ચોકમાં પ્રતિકાત્મક રીતે ઘીને અભિષેક કરાયો હતો.
ત્યારે આ વખતે સ્થિતિ સામાન્ય થતાં રૂપાલની પલ્લીનું વિધિવ્ત રીતે આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બે વર્ષ બાદ સ્થિતિ સામાન્ય થતાં આ વર્ષે પરંપરા મુજબ વરદાયની માતાજીની પલ્લી ભરાશે. આ વખતે ૪ ઓકટોબરના રોજ આસ્થાની સાથે કોમી એકતાના પ્રતિકસમા રૂપાલનો આ પલ્લી મેળો યોજાશે. આ વખતે માતાજીના દર્શન કરવા માટે ૮ લાખ જેટલા ભક્તો આવે તેવી શક્યતાઓ છે.
તેથી આ ધાર્મિક કાર્યક્રમમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. દર વર્ષે આસો સુદ નોમના દિવસે ગાંધીનગરના રૂપાલ ગામમાં આનંદ અને ઉત્સાહનો મહાસાગર ઉમટે છે. ગામના તમામ કોમના લોકો કોઈ પણ જાતના ભેદભાવ વગર ઉમંગથી માના કામમાં લાગી જાય છે. આ ઉત્સવ હોય છે માતાજીની પલ્લીનો, દેશભરમાં માતા વરદાયીની પલ્લી પ્રખ્યાત છે. આ પલ્લીમાં હજારો લાખો લીટર ઘીનો અભિષેક કરવામાં આવે છે.
ધાર્મિક મહત્વની સાથે આ પલ્લી કોમી એખલાસના પણ દ્રશ્યો પાડે છે. કહેવાય છે કે માતા વરદાયીની તમામ દુઃખ દર્દ દુર કરનારી અને ભક્તોની મનોકામના પૂર્ણ કરનારી દેવી છે. માતા વરદાયીના સ્મરણ માત્રથી ભક્તોના તમામ કષ્ટનો સંહાર થઈ જાય છે. ગાંધીનગર જિલ્લાના રૂપાલમાં આવેલું માતા વરદાયીનું મંદિર અતિ પ્રાચીન અને અલૌકિક છે. કહેવાય છે કે અહીં માતાજી સૃષ્ટીના નિર્માણ સમયથી જ બિરાજમાન છે. આદ્યશક્તિના નવ સ્વરૂપો પૈકી દ્રીવતિય સ્વરૂપ બ્રહ્મચારીણી હંસાવાહીની સ્વરૂપે રૂપાલમાં માતા વરદાયીની બિરાજમાન છે.