ત્રિમંદિર વરણામા ખાતે ‘રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ’ની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી

સશક્ત પંચાયત એ વિકસિત ભારતનો પાયો છે: જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડા
IOCL રિફાઈનરી તરફથી અપાયેલી ૧૦ એમ્બ્યુલન્સને મહાનુભાવોએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું
વડોદરા, વડોદરાના ત્રિમંદિર વરણામા ખાતે ‘રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ’ની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ગાયત્રીબા મહિડાના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉપસ્થિત સૌને રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ’ની હાર્દિક શુભકામનાઓ પાઠવી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ગાયત્રીબા મહિડાએ સશક્ત પંચાયતને વિકસિત ભારત માટે પાયારૂપ ગણાવી હતી. તેમણે પંચાયતી રાજ વ્યવસ્થા વધુ સુદ્રઢ બની ગ્રામીણ આત્મનિર્ભરતાની વાહક બને તેવી અભ્યર્થના પણ કરી હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પંચાયતી રાજ એ માત્ર વ્યવસ્થાની વાત નથી, એ લોકભાગીદારી, વિકાસની દિશા અને પ્રજાના સ્વપ્નો સાકાર કરવાની પ્રક્રિયા છે. પંચાયતી રાજ પ્રણાલીએ લોકોને માત્ર નેતૃત્વની તક જ નથી આપી, પરંતુ ગામડાઓને પણ મુખ્ય પ્રવાહમાં લાવીને વિકાસ અને આત્મનિર્ભરતાના માર્ગે દોર્યા છે, તેમ તેમણે મક્કમતાથી જણાવ્યું હતું.
ગ્રામીણ અર્થવ્યવસ્થા અને ગામડાઓની સુખાકારીમાં વધારો કરવા માટે તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વવાળી રાજ્ય સરકારે કરેલી પહેલ અને યોજનાઓના અમલીકરણ તેમજ સંતૃપ્તિ બિંદુ વિશે પણ વાત કરી હતી.
જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલે પંચાયતી રાજના શિલ્પી બળવંતરાય મહેતા સમિતિનો ઉલ્લેખ કરીને પંચાયતી રાજને ભારતનું ઘરેણું ગણાવ્યું હતું. તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સફળ નેતૃત્વમાં ગામડું એક આત્મનિર્ભર ગણતંત્રની દિશામાં આગળ વધી રહ્યું હોવાનું જણાવ્યું હતું.
જિલ્લા પંચાયતની કારોબારીના અધ્યક્ષશ્રી નિલેશભાઈ પુરાણીએ ભારતની આત્મા ગામડાઓમાં વસે છે, તેમ કહીને પંચાયતી રાજનું મહત્વ સમજાવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે પહલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ નાગરિકોના માટે બે મિનિટ મૌન પાળીને શ્રધ્ધાજંલી અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ આઈઓસીએલ રિફાઇનરી તરફથી આપવામાં આવી ૧૦ એમ્બ્યુલન્સને મહાનુભાવોએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.
તદુપરાંત મહાનુભાવોએ સ્વ સહાય જૂથો દ્વારા ઉત્પાદિત વસ્તુઓના માર્કેટીંગ માટે સ્માર્ટ પેકેજીંગનું પણ લોકાર્પણ કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન એમ. એસ. યુનિવર્સિટી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી વચ્ચે ગંદા પાણીના નિકાલ અને સુએઝ ટ્રીટમેન્ટના કુલ ૧૬ પ્લાન્ટ માટે સમજૂતી કરાર થયા હતા. આ ઉપરાંત વિચરતી-વિમુક્ત જાતિના ઘરવિહોણા લોકોને ફાળવેલ પ્લોટના સનદનું મહાનુભાવોના હસ્તે વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
વરણામા ત્રિમંદિર ખાતે આયોજીત આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ મહેસાણા ખાતેથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને આયોજીત રાજ્યકક્ષાનો કાર્યક્રમ અને બિહારના મધુબની ખાતેથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને આયોજીત રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી મમતા હિરપરા, જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન, વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી અંકિતા પરમાર, આઈઓસીએલના ઉચ્ચ અધિકારીશ્રીઓ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીમતી મિનાક્ષીબેન ચૌહાણ સહિત આરોગ્ય શાખાનો સ્ટાફ, આઈ. સી. ડી. એસ. ના પ્રોગ્રામ ઓફિસર સહિતનો સ્ટાફ, અગ્રણીઓ, લાભાર્થીઓ, મહિલાઓ, બાળકો તેમજ આસપાસના ગામોના લોકો ઉપસ્થિત રહ્યા હતા.